BJPની નગરસેવિકાના પતિ અને બળાત્કારના આરોપીની દાદાગીરી જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કર, મને કંઈ જ નહીં થાય, આ મહિલાએ સોમવારે સતના પોલીસ સુપરિન્ટેન્ડન્ટ હંસરાજ સિંહને લેખિત ફરિયાદ સુપરત કરી હતી
BJPની નગરસેવિકાના પતિ અને બળાત્કારના આરોપીની દાદાગીરી
મધ્ય પ્રદેશના સતના જિલ્લામાં રામપુર બાઘેલન નગર પરિષદના ભારતીય જનતા પાર્ટી (BJP)નાં મહિલા નગરસેવિકાના પતિ અશોક સિંહ પર છરીની અણીએ એક મહિલા પર બળાત્કાર કરવાનો, આ કૃત્યનો વિડિયો બનાવવાનો અને બાદમાં તેને વારંવાર જાતીય સંબંધો બાંધવાની ધમકી આપવાનો આરોપ છે. જ્યારે આ મહિલાએ કૅમેરા સામે અશોક સિંહનો સામનો કર્યો અને કહ્યું કે તે આ વાતચીતનો વિડિયો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરશે ત્યારે અશોક સિંહે બેશરમીથી કહ્યું કે મને કંઈ નહીં થાય. વાઇરલ ક્લિપમાં આરોપી કથિત રીતે કહે છે કે ‘મારું શું થશે? કંઈ નહીં થાય. જ્યાં ઇચ્છે ત્યાં ફરિયાદ કર, મને કંઈ નહીં થાય.’
આ મહિલાએ સોમવારે સતના પોલીસ સુપરિન્ટેન્ડન્ટ હંસરાજ સિંહને લેખિત ફરિયાદ સુપરત કરી હતી જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે આ ગુનો લગભગ છ મહિના પહેલાં થયો હતો અને તેના જીવ અને પરિવારને જોખમ હોવાથી તે ચૂપ રહી હતી. મહિલાના જણાવ્યા અનુસાર કરહીનો રહેવાસી અશોક સિંહ તેના ઘરમાં ઘૂસી ગયો હતો. છરી બતાવીને તેના પર બળાત્કાર કર્યો, તેના મોબાઇલ ફોનમાં રેકૉર્ડિંગ કર્યું અને જો તે આ ઘટના વિશે વાત કરશે તો તેને અને તેના પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી.
મહિલાએ આરોપ લગાવ્યો કે તેણે ૨૦ ડિસેમ્બરે ફરીથી તેનો સંપર્ક કર્યો, તેની સાથે છેડતી કરી હતી અને ફરી ધમકી આપી હતી કે જો તે માગણીઓનું પાલન નહીં કરે તો વિડિયો રિલીઝ કરશે.


