આજના મુદ્દાનો જવાબ ટાળવા BJP જૂનો મુદ્દો ઉઠાવી રહી છે : કૉન્ગ્રેસ
સોનિયા ગાંધી
ભારતીય જનતા પાર્ટી (BJP)એ ગઈ કાલે આરોપ લગાવ્યો હતો કે કૉન્ગ્રેસનાં ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીનું નામ ભારતીય નાગરિક બનતાં પહેલાં જ મતદારયાદીમાં સામેલ કરવામાં આવ્યું હતું. આ ઘટના ૪૫ વર્ષ પહેલાં બની હતી, જ્યારે સોનિયા ગાંધીનું નામ ૧૯૮૦થી ૧૯૮૨ દરમ્યાન દિલ્હીની મતદારયાદીમાં હતું. જોકે સોનિયા ગાંધીને ૧૯૮૩માં ભારતીય નાગરિકતા મળી હતી. ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે દાવો કર્યો હતો કે ૧૯૪૬માં ઇટલીમાં જન્મેલાં સોનિયા ગાંધીએ ૧૯૬૮માં રાજીવ ગાંધી સાથે લગ્ન કર્યાં હતાં અને તેઓ પછી ભારત આવ્યાં હતાં. ૧૯૮૦ની લોકસભા ચૂંટણી પહેલાં તેમનું નામ નવી દિલ્હી સંસદીય મતવિસ્તારની મતદારયાદીમાં નોંધાયું હતું. આ નિયમોનું ઉલ્લંઘન છે, કારણ કે કોઈ પણ વ્યક્તિનું નામ ભારતીય નાગરિક હોય તો જ મતદારયાદીમાં નોંધાઈ શકે છે.
કૉન્ગ્રેસે આ આરોપોને રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યા હતા, પણ પાર્ટી આ મુદ્દે બૅકફુટ પર આવી ગઈ હતી અને BJPના આરોપો મુદ્દે કોઈ ખુલાસો આપ્યો નહોતો. કૉન્ગ્રેસે કહ્યું હતું કે BJP વર્તમાન મુદ્દાઓનો જવાબ ટાળવા માટે ૪૫ વર્ષ જૂનો મુદ્દો ઉઠાવી રહી છે, BJP જનતાનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરે છે.
ADVERTISEMENT
એક નહીં, બે વાર નિયમ તોડી સોનિયા ગાંધીનું નામ ઉમેરાયું : BJP
BJPએ આરોપ કર્યો હતો કે એક નહીં, બે વાર નિયમ તોડીને સોનિયા ગાંધીનું નામ મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યું હતું. ૧૯૮૨માં ઉમેરાયેલું સોનિયા ગાંધીનું નામ વિરોધ પછી મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યું હતું, પરંતુ ૧૯૮૩માં ફરીથી તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. એ પણ નિયમોની વિરુદ્ધ હતું કારણ કે તે વર્ષે નાગરિકતા મેળવવાની તારીખ એપ્રિલ હતી, જ્યારે મતદાર યાદીમાં નામ ઉમેરવાની છેલ્લી તારીખ ૧ જાન્યુઆરી હતી.


