બાવીસ લાખનાં મૃત્યુ, ૩૬ લાખનો કોઈ અતોપતો નથી અને ૭ લાખ મતદારોનાં નામ એકથી વધુ સ્થળોએ હોવાથી બાદબાકી
ચૂંટણીપંચ દ્વારા બિહારમાં મતદારયાદીની તપાસ દરમ્યાન ૯૧ ટકાથી વધારે મતદારો પાસે યોગ્ય પુરાવા હતા.
મહિનાઓથી ચાલતા વિવાદ પછી બિહારમાં નવી મતદાર યાદીનો પહેલો ડ્રાફ્ટ આજે જાહેર થવાનો છે. ચૂંટણી પંચ દ્વારા બિહારની મતદાર-યાદીની તપાસ ચાલી હતી, જેનો કોન્ગ્રેસ, આર.જે.ડી. સહિતના વિપક્ષો દ્વારા ખૂબ વિરોધ થયો છે. તપાસ પછી મતદાર યાદીમાંથી 65 લાખ જેટલા નામોને મૃત હોવાને કારણે કે અન્ય કારણોસર કે સ્થળાંતરને કારણે રદ કરી દેવામાં આવ્યા છે. આ ૬૫ લાખમાંથી બાવીસ લાખ મતદારો મૃત્યુ પામ્યા છે, ૩૬ લાખ લોકોનો કોઈ અતોપતો નથી અને ૭ લાખ મતદારોનાં નામ એકથી વધારે સ્થળોએ જોવા મળ્યાં હોવાથી તેમનાં નામ રદ થયાં છે.
ચૂંટણી પંચના આ પગલાંનો વિપક્ષો દ્વારા ભારે વિરોધ થયો અને કોર્ટમાં પંચને પડકારવામાં પણ આવ્યું. જોકે કોર્ટે ચૂંટણી પંચને કાર્યવાહી યોગ્ય ઠેરવી છે. આ લાંબા વિવાદ પછી આજે ચૂંટણી પંચ દ્વારા બિહારના તમામ ૩૮ જિલ્લાઓ માટેની ડ્રાફ્ટ મતદારી યાદી જાહેર કરવામાં આવશે, જેની ફિઝિકલ અને ડિજિટલ કૉપી તમામ રાજકીય પક્ષોને આપવામાં આવશે એવી જાહેરાત ચૂંટણી પંચે કરી છે. યાદી જાહેર થયા પછી એક મહિના સુધી તેમાં સુધારા-વધારા માટે કે નામ રદ કરવા માટેની અરજી થઈ શકશે.
ADVERTISEMENT
ચૂંટણી પંચે જાહેર કરેલી વિગતોમાં જણાવાયું હતું કે બિહારમાં ૭ કરોડ ૮૯ લાખથી વધુ નોંધાયેલા મતદારો હતા, તેમાંથી તપાસ દરમિયાન ૭ કરોડ ૨૪ લાખ મતદારોએ જરૂરી દસ્તાવેજો આપીને ખાતરી કરાવી છે. નવી ડ્રાફ્ટ મતદારયાદીમાંથી ૬૫ લાખ નામ દૂર કરવામાં આવશે.


