કોર્ટમાં જજને કહ્યું, હું હવે કંટાળી ગયો છું; મારા પર એટલા બધા આરોપો અને કેસ થઈ રહ્યા છે કે હું આખી જિંદગી જેલમાં રહીશ
રીતલાલ યાદવ
બિહારના બાહુબલી મનાતા અને દાનાપુરના રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના વિધાનસભ્ય રીતલાલ યાદવને ગઈ કાલે એક કેસ સંદર્ભમાં ભાગલપુર સેન્ટ્રલ જેલમાંથી પટના સિવિલ કોર્ટસ્થિત MP-MLA સ્પેશ્યલ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા ત્યારે તેમણે ઇચ્છામૃત્યુની માગણી કરી હતી. રીતલાલની માગણીથી રાજ્યના રાજકારણમાં ગરમાટો લાવી દીધો છે. રીતલાલ યાદવે જજને કહ્યું હતું કે સાહેબ, મને ઇચ્છામૃત્યુ આપો, હું હવે કંટાળી ગયો છું. મારા પર એટલા બધા આરોપો અને કેસ થઈ રહ્યા છે કે હું આખી જિંદગી જેલમાં રહીશ.
બિહારના એક પ્રખ્યાત બિલ્ડર પાસેથી ૫૦ લાખની ખંડણી માગવાના કેસમાં રીતલાલ યાદવે ૧૭ એપ્રિલે કોર્ટમાં આત્મસમર્પણ કર્યું હતું અને હાલમાં તેમની સામે કેસ ચાલી રહ્યો છે.
ADVERTISEMENT
વિધાનસભ્ય રીતલાલ યાદવ સામે ઘણા ફોજદારી કેસ નોંધાયેલા છે. સૌપ્રથમ તેઓ પટનાના રેલવે કૉન્ટ્રૅક્ટરની હત્યાના કેસમાં ન્યુઝમાં આવ્યા હતા. તેમના પર ખેડૂતોને ધમકાવીને સસ્તા ભાવે જમીન ખરીદવાનો પણ આરોપ હતો. રાજકારણમાં પ્રવેશતાં પહેલાં રીતલાલ દાનાપુર સ્ટેશન જતા રસ્તામાં સાઇકલ અને મોટરસાઇકલની ચોરી કરતા હતા. રીતલાલ પહેલાં પણ ઘણી વખત જેલમાં જઈ ચૂક્યા છે.


