કોર્ટે ED દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટની નોંધ લેવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો
સોનિયા અને રાહુલ ગાંધી
નૅશનલ હેરલ્ડ સાથે જોડાયેલા મની-લૉન્ડરિંગ કેસમાં દિલ્હીની રાઉઝ ઍવન્યુ કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED) દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટની નોંધ લેવાનો ઇનકાર કરી દીધો છે. સ્પેશ્યલ જજ (પીસી ઍક્ટ) વિશાલ ગોગણેએ કહ્યું હતું કે આ ફરિયાદ સાંભળવાને યોગ્ય નથી, કારણ કે આ કેસ કોઈ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) પર નહીં પણ એક પ્રાઇવેટ ફરિયાદ પર આધારિત હતો.
કોર્ટના આ પગલાથી સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહિત ૭ લોકોને મોટી રાહત મળી છે. આ કેસમાં કોર્ટે કહ્યું હતું કે જો ED ઇચ્છે તો એ તપાસ ચાલુ રાખી શકે છે. EDએ પોતાની ચાર્જશીટમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, સૅમ પિત્રોડા, સુમન દુબે, સુનીલ ભંડારી, યંગ ઇન્ડિયન અને ડોટેક્સ મર્ચન્ડાઇઝ પ્રાઇવેટ લિમિટેડનાં નામ લીધાં હતાં.
ADVERTISEMENT
કૉન્ગ્રેસે દલીલ કરી હતી કે આ રાજકીય બદલો છે, જ્યારે EDએ દાવો કર્યો હતો કે આ એક ગંભીર આર્થિક ગુનો છે જેમાં છેતરપિંડી અને મની-લૉન્ડરિંગના પુરાવા મળ્યા છે. EDએ અસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL)ની ૨૦૦૦ કરોડ રૂપિયાથી વધુ સંપત્તિ ખોટી રીતે હડપ કરવાનો આરોપ લગાવ્યો હતો.


