ભક્તોને વીજળીનો કરન્ટ લાગવાની શક્યતાથી મંદિરની લાઇટો બંધ કરી દેવામાં આવી હતી
અયોધ્યાના રામમંદિર
આ વર્ષે બાવીસમી જાન્યુઆરીએ જ જ્યાં પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી એ અયોધ્યાના રામમંદિરમાં શનિવારે પડેલા પહેલા વરસાદમાં પાણીનું ગળતર થયું હોવાનો દાવો મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે ગઈ કાલે કર્યો હતો. ઉપરના ભાગમાંથી આવેલું પાણી મંદિરના ગર્ભગૃહમાં રામલલા જ્યાં બિરાજમાન છે ત્યાં જમા થયું હતું. પૂજારી સત્યેન્દ્ર દાસે કહ્યું હતું કે ‘શનિવારે રાત્રે બેથી પાંચ વાગ્યા દરમ્યાન અયોધ્યામાં જોરદાર વરસાદ થયો હતો. આથી મંદિરના ગર્ભગૃહ સામેના મંડપમાં પણ ચાર ઇંચ જેટલું પાણી ભરાઈ ગયું હતું. ભક્તોને વીજળીનો કરન્ટ લાગવાની શક્યતાથી મંદિરની લાઇટો બંધ કરી દેવામાં આવી હતી અને સવારના ચાર અને છ વાગ્યાની આરતી મશાલના અજવાળે કરવામાં આવી હતી. મંદિરના ઉપરના ભાગમાં કામ ચાલી રહ્યું છે ત્યારે વરસાદના પાણીનો ભરાવો થતાં લોખંડના સળિયા નાખવા માટે કાણાં બનાવવામાં આવ્યાં હતાં એમાંથી પાણી નીચે ઊતર્યું હતું.’

