જોકે આ મિશનમાં શુભાંશુ શુક્લા જે અનુભવ મેળવશે એ અમૂલ્ય છે, ભારતના ગગનયાન મિશન માટે ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશન પરના તેમના રોકાણથી ભવિષ્યમાં દેશને ફાયદો થશે
ગઈ કાલે ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશનમાં સાથીઓ સાથે શુભાંશુ શુક્લા.
ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશન (ISS)માં પહોંચી જનારા શુભાંશુ શુક્લાનું નામ આજે દેશભરના લોકોના હોઠ પર છે. સોશ્યલ મીડિયા પર ઘણા લોકો એક જ પ્રશ્ન પૂછી રહ્યા છે કે શુભાંશુ શુક્લાને આ ૧૪ દિવસના અવકાશ મિશન માટે કેટલા રૂપિયા મળશે? હકીકત એ છે કે ૧૪ દિવસના આ ઍક્સિઓમ-4 મિશન માટે શુભાંશુ શુક્લાને એક પણ રૂપિયાનો પગાર નહીં મળે. આનું કારણ એ છે કે તેઓ નાસા (નૅશનલ ઍરોનૉટિક્સ ઍન્ડ સ્પેસ ઍડ્મિનિસ્ટ્રેશન-NASA) કે ઍક્સિઓમના પગારપત્રક પર કર્મચારી કે અવકાશયાત્રી નથી, તેઓ ભારત દ્વારા સંપૂર્ણપણે પ્રાયોજિત મહેમાન અવકાશયાત્રી છે.
ઍક્સિઓમ-4 મિશન એક ખાનગી મિશન છે જેનું આયોજન અમેરિકન કંપની ઍક્સિઓમ સ્પેસ દ્વારા નાસાની મદદથી કરવામાં આવે છે. આ મિશનનો સંપૂર્ણ ખર્ચ ઇસરો (ઇન્ડિયન સ્પેસ ઍન્ડ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન-ISRO) અને ભારત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. સરકારે આ મિશન માટે લગભગ ૫૪૮ કરોડ રૂપિયા (લગભગ ૬૫ મિલ્યન ડૉલર)નું બજેટ નક્કી કર્યું છે. આ ખર્ચમાં નાસા અને ઍક્સિઓમ સાથે તાલીમ, પ્રક્ષેપણ સંબંધિત બધી તૈયારીઓ, ISS પર રોકાણ અને મિશન દરમ્યાન કરવાના વૈજ્ઞાનિક પ્રયોગોનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
શુભાંશુનો પગાર કેટલો છે?
મળતી માહિતી અનુસાર ઇન્ડિયન ઍરફોર્સમાં ગ્રુપ-4 કૅપ્ટનને મહિને ૨,૪૩,૬૦૬થી ૨,૫૩,૪૮૪ રૂપિયા સુધી પગાર આપે છે. આ પગાર વાર્ષિક ૧૮ લાખ રૂપિયાથી ૬૫ લાખ રૂપિયા સુધીનો હોઈ શકે છે. એવી જ રીતે શુભાંશુને આ ૧૪ દિવસ માટે ૧,૧૮,૨૯૨ રૂપિયા આપવામાં આવશે, પરંતુ એ તેમનો નિયમિત પગાર છે.
શુભાંશુ શુક્લાનું ISS મિશન કેમ મહત્ત્વપૂર્ણ છે?
શુભાંશુ અને ભારતને આ મિશનથી ઘણો ફાયદો થવાનો છે. આ મિશનને ભારતના મહત્ત્વાકાંક્ષી ગગનયાન કાર્યક્રમ તરફ એક મોટું પગલું માનવામાં આવે છે, જેની પ્રથમ માનવ-ઉડાન ૨૦૨૭માં પ્રસ્તાવિત છે. આ સમય દરમ્યાન શુભાંશુ માત્ર અત્યાધુનિક અવકાશ ટેક્નિકોથી પરિચિત થશે એટલું જ નહીં, તે વાસ્તવિક સમયમાં અવકાશ સંશોધન પ્રક્રિયાઓ અને પ્રયોગોનો અનુભવ પણ કરશે. ISS પરના તેમના ૧૪ દિવસના રોકાણ દરમ્યાન શુભાંશુ અવકાશ પોષણ, ખાદ્ય સુરક્ષા અને શૂન્ય ગુરુત્વાકર્ષણમાં બીજમાંથી પાક ઉગાડવા સંબંધિત પ્રયોગો કરશે. આ પ્રયોગો માત્ર અવકાશયાત્રીઓ માટે જ નહીં, પૃથ્વી પર કૃષિ અને ખાદ્ય વિજ્ઞાનના ક્ષેત્રમાં પણ મહત્ત્વપૂર્ણ યોગદાન આપી શકે છે.

