દર સેકન્ડે ૭.૫ કિલોમીટરનો પ્રવાસ કરે છે અવકાશયાન, ૨૮ કલાકની મુસાફરી પછી આજે સાંજે ૪.૩૦ વાગ્યે અવકાશયાન ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશન (ISS) સાથે ડૉક થશે : શુભાંશુ શુક્લા ૧૫ દિવસ સ્પેસ સ્ટેશનમાં રહેશે અને અનેક પ્રયોગ કરશે
ભારતીય ઍસ્ટ્રોનાૅટ શુભાંશુ શુક્લા અને અન્ય ત્રણ અવકાશયાત્રી સ્પેસઍક્સ ડ્રૅગન સ્પેસક્રાફ્ટમાં.
નાસા અને ઇસરોનું સંયુક્ત મિશન ઍક્સિઓમ-4 ગઈ કાલે બપોરે ૧૨.૦૧ વાગ્યે સફળતાપૂર્વક લૉન્ચ થઈ ગયું
ભારતના શુભાંશુ શુક્લા અને અન્ય ત્રણ અવકાશયાત્રીઓને લઈને ઍક્સિઓમ-4 મિશને ગઈ કાલે અમેરિકાના ફ્લૉરિડાના કેનેડી સ્પેસ સેન્ટરના કૉમ્પ્લેક્સ 39A પરથી ભારતીય સમય મુજબ બપોરે ૧૨.૦૧ વાગ્યે ઉડાન ભરી હતી. નૅશનલ ઍરોનૉટિક્સ ઍન્ડ સ્પેસ ઍડ્મિનિસ્ટ્રેશન (NASA-નાસા) અને ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ISRO-ઇસરો)નું સંયુક્ત મિશન ઍક્સિઓમ-4 સફળતાપૂર્વક લૉન્ચ થતાં ભારત માટે ઇતિહાસ રચાયો છે. સફળ પ્રક્ષેપણને લઈને દેશભરમાં ઉજવણીનો માહોલ છે. આશરે ૨૮ કલાકની મુસાફરી પછી અવકાશયાન આજે સાંજે ૪.૩૦ વાગ્યે ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશન (ISS) સાથે ડૉક થવાની ધારણા છે. ઇન્ડિયન ઍરફોર્સના ગ્રુપ-કૅપ્ટન શુભાંશુ શુક્લાએ અવકાશમાંથી દેશવાસીઓને ત્રિરંગા સાથે ‘જય હિંદ, જય ભારત’નો સંદેશ મોકલ્યો છે જેનાથી તેમના પરિવાર અને દેશમાં ખુશીનો માહોલ છે. ભારત માટે આ એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિ છે. આ પ્રક્ષેપણ માત્ર શુભાંશુ શુક્લા માટે જ નહીં, પરંતુ અવકાશ સંશોધનમાં ભારતની વધતી જતી હાજરી માટે પણ એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. ૧૫ દિવસના રોકાણ દરમ્યાન શુભાંશુ શુક્લા અનેક પ્રયોગ કરવાના છે.
ADVERTISEMENT
અવકાશમાં જનારા બીજા ભારતીય
૧૯૮૪માં સ્ક્વૉડ્રન લીડર રાકેશ શર્મા બાદ સ્પેસમાં પહોંચનારા બીજા ભારતીયનું બહુમાન શુભાંશુ શુક્લાને પ્રાપ્ત થયું છે.
પહેલી તસવીર સામે આવી
સ્પેસઍક્સે સોશ્યલ મીડિયા પર ઍક્સિઓમ-4 મિશનની પહેલી તસવીર શૅર કરી હતી જેમાં બધા અવકાશયાત્રીઓ એકસાથે બેઠા છે. શુભાંશુ શુક્લા આ મિશનમાં પાઇલટની ભૂમિકામાં છે. તેમની સાથે અમેરિકાના મિશન કમાન્ડર અને ૬૦૦ દિવસથી વધુ સમય અવકાશમાં વિતાવનાર અનુભવી અવકાશયાત્રી પેગી વ્હિટસન, હંગેરીના મિશન-નિષ્ણાત ટિબોર કાપુ અને પોલૅન્ડના સ્લાવોસ યુઝનાન્સ્કી-વિસ્નીવ્સ્કી આ તસવીરમાં જોઈ શકાય છે.
મમ્મી-પપ્પાને કહ્યું, મારો ઇન્તેજાર કરજો
અવકાશમાં જતાં પહેલાં શુભાંશુએ તેનાં માતાપિતાને કહ્યું હતું કે મારો ઇન્તેજાર કરજો, હું આવું છું. ઍક્સિઓમ-4 મિશનના લૉન્ચ પહેલાં શુભાંશુની મમ્મીએ તેને વિડિયો-કૉલ દ્વારા દહીં અને ખાંડ ખવડાવી હતી. એ સાથે પરિવારના બધા સભ્યોએ પણ તેને ઘણી-ઘણી શુભકામના પાઠવી હતી.
લૉન્ચ પહેલાંનો મેસેજ
મિશન-લૉન્ચ પહેલાં શુભાંશુ શુક્લાએ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી હતી. એમાં તેણે લખ્યું હતું, ‘૪૧ વર્ષ પછી ભારતનો ધ્વજ ફરી અવકાશમાં ફરકશે.’
શુભાંશુનો અવકાશમાંથી પહેલો સંદેશ
ઍક્સિઓમ-૪ મિશનના લૉન્ચ પછી ગ્રુપ-કૅપ્ટન શુભાંશુ શુક્લાએ અવકાશમાંથી પોતાનો પહેલો વિડિયો-સંદેશ મોકલ્યો હતો. તેણે ભારતના લોકોને સંબોધતાં કહ્યું હતું, ‘નમસ્કાર, મારા પ્રિય દેશવાસીઓ, આપણે ૪૧ વર્ષ પછી અવકાશમાં પાછા પહોંચ્યા છીએ. આ એક અદ્ભુત યાત્રા છે. અમે પૃથ્વીની આસપાસ ૭.૫ કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપે પરિક્રમા કરી રહ્યા છીએ. મારા ખભા પરનો તિરંગો મને કહે છે કે હું તમારા બધાની સાથે છું. આ ISSની મારી યાત્રાની શરૂઆત નથી, આ ભારતના માનવ અવકાશ કાર્યક્રમની શરૂઆત છે. હું ઇચ્છું છું કે તમે બધા આ યાત્રાનો ભાગ બનો. તમારી છાતી પણ ગર્વથી ફૂલી જવી જોઈએ. ચાલો આપણે બધા સાથે મળીને ભારતના માનવ અવકાશ કાર્યક્રમની શરૂઆત કરીએ. જય હિન્દ, જય ભારત.’
ભારત માટે એક ગર્વની ક્ષણ : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ
ભારતનાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શુભાંશુ શુક્લાને અભિનંદન પાઠવ્યાં હતાં. તેમણે સોશ્યલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું, ‘ગ્રુપ-કૅપ્ટન શુભાંશુ શુક્લાએ ભારત માટે અવકાશમાં એક નવું સીમાચિહ્ન સ્થાપિત કર્યું છે. આખો દેશ એક ભારતીયની તારાઓની યાત્રા પર ઉત્સાહી છે અને ગર્વ અનુભવે છે. તેઓ અને અમેરિકા, પોલૅન્ડ અને હંગેરીના ઍક્સિઓમ-4 મિશનના તેમના સાથી અવકાશયાત્રીઓ સાબિત કરે છે કે વિશ્વ ખરેખર એક પરિવાર છે, વસુધૈવ કુટુમ્બકમ.’
વડા પ્રધાન નરેન્દ્ર મોદી થયા ગદ્ગદ : ૧.૪ અબજ ભારતીયોની શુભેચ્છાઓ, આશાઓ અને આકાંક્ષાઓ...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઍક્સિઓમ-4 મિશનના સફળ પ્રક્ષેપણની પ્રશંસા કરતાં કહ્યું હતું કે ગ્રુપ-કૅપ્ટન શુભાંશુ શુક્લા ૧.૪ અબજ ભારતીય નાગરિકોની શુભેચ્છાઓ, આશાઓ અને આકાંક્ષાઓ લઈને જઈ રહ્યા છે. નરેન્દ્ર મોદીએ સોશ્યલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું, ‘અમે ભારત, હંગેરી, પોલૅન્ડ અને અમેરિકાના અવકાશયાત્રીઓને લઈ જનારા અવકાશ મિશનના સફળ પ્રક્ષેપણનું સ્વાગત કરીએ છીએ. ભારતીય અવકાશયાત્રી ગ્રુપ-કૅપ્ટન શુભાંશુ શુક્લા ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશનની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય બનવા જઈ રહ્યા છે. તેઓ ૧.૪ અબજ ભારતીયોની શુભેચ્છાઓ, આશાઓ અને આકાંક્ષાઓને લઈને જઈ રહ્યા છે. તેમને અને અન્ય અવકાશયાત્રીઓને શુભકામનાઓ.’


