Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > માફિયા અતીક અહેમદના સૌથી નાના પુત્ર અબાનનું ઝાંસીમાં કાર અકસ્માતમાં મોત

માફિયા અતીક અહેમદના સૌથી નાના પુત્ર અબાનનું ઝાંસીમાં કાર અકસ્માતમાં મોત

Published : 06 August, 2026 02:58 PM | IST | Jhansi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Atiq Ahmed`s youngest son Abaan Ahmed dies in road accident: અતીક અહેમદના સૌથી નાના પુત્ર અબાન અહેમદનું ઝાંસીમાં એક માર્ગ અકસ્માતમાં મોત, તે જેલમાં બંધ પોતાના ભાઈ અલી અહેમદને મળવા જઈ રહ્યો હતો; અકસ્માતમાં અન્ય ત્રણ લોકો ઘાયલ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


કુખ્યાત માફિયા અતીક અહેમદ (Atiq Ahmed) ના પરિવાર પર દુઃખો ડુંગર પડ્યો છે. આ પરિવાર સાથે જોડાયેલી વધુ એક મોટી ઘટના ગુરૂવારે ઝાંસી (Jhansi) માં સામે આવી છે. અતીક અહેમદના સૌથી નાના દીકરાનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું છે.

પ્રારંભિક માહિતી અનુસાર, ઝાંસી જેલમાં બંધ પોતાના ભાઈ અલી અહેમદ (Ali Ahmed) ને મળવા જઈ રહેલા અતીક અહેમદના સૌથી નાના પુત્ર અબાન અહેમદ (Abaan Ahmed)નું માર્ગ અકસ્માતમાં મોત (Atiq Ahmed`s youngest son Abaan Ahmed dies in road accident) થયું છે. આ દુર્ઘટનામાં તેના મિત્ર સોનૂ (અહઝમ)નું પણ મોત નીપજ્યું છે, જ્યારે કારમાં સવાર અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ અકસ્માત પૂંચ પોલીસ સ્ટેશન વિસ્તારના ખિલ્લી ગામ પાસે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સર્જાયો હતો.



વરિષ્ઠ પોલીસ અધીક્ષક બીબીજીટીએસ મૂર્તિએ આ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું કે, પૂંચ વિસ્તારના ખિલ્લી ગામમાં થયેલા માર્ગ અકસ્માતમાં માફિયા અતીક અહેમદના પુત્રનું પણ મોત થયું છે. તેની સાથે તેના મિત્ર સોનૂનું પણ મોત થયું છે. ત્રણેય ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને ઘટનાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.


મૃતકોમાં અબાન અહેમદ અને અહઝમ (પ્રયાગરાજ) હોવાની પુષ્ટિ થઈ છે. જ્યારે ઘાયલોમાં મોહમ્મદ ઝૈદ અને ઉમર સહિત અન્ય લોકો સામેલ છે.

ઉલ્લેખનીય છે કે, અલી અહેમદને ૧ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ નૈની જેલમાંથી ઝાંસી જેલમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો.


પ્રયાગરાજથી ઝાંસી આવી રહેલી એક અતિ ઝડપી ક્રેટા કાર અચાનક અનિયંત્રિત થઈને ઝાંસીના પૂંચ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ખિલ્લી ગામ પાસે ડિવાઈડર સાથે અથડાઈ હતી. ટક્કર એટલી ભીષણ હતી કે કારના આગળના ભાગના ટુકડા થઈ ગયા હતા. અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી અને સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી.

પોલીસ અને વહીવટી અધિકારીઓ તુરંત ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને રેસ્ક્યૂ કરી કારમાં સવાર તમામ લોકોને બહાર કાઢ્યા હતા. તમામ ઘાયલોને સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર પૂંચ મોકલવામાં આવ્યા હતા, જ્યાં બે ઘાયલોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ઘાયલોમાંથી એક વ્યક્તિએ આપેલી માહિતીથી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. તેણે જણાવ્યું કે મૃતકોમાંથી એક અબાન છે, જે માફિયા અતીક અહેમદનો સૌથી નાનો પુત્ર છે.

ઘટનાની જાણ થતાં જ પોલીસમાં દોડધામ મચી ગઈ હતી. અધિકારીઓએ ઘટનાસ્થળનું નિરીક્ષણ કરીને દુર્ઘટનાના કારણોની તપાસ શરૂ કરી દીધી છે. પ્રાથમિક તપાસમાં વધુ પડતી ઝડપ અને વાહન અનિયંત્રિત થવાની બાબત સામે આવી રહી છે.

અતીક પરિવારની ઝાંસી સાથે ત્રીજી મોટી ઘટના

અતીક અહેમદના પરિવારનું નામ આ પહેલાં પણ ઝાંસીની બે મોટી ઘટનાઓ સાથે જોડાઈ ચૂક્યું છે. અતીક અહેમદના પુત્ર અસદ અહેમદનું એનકાઉન્ટર ૧૩ એપ્રિલ ૨૦૨૩ના રોજ ઝાંસી જિલ્લાના બડાગાંવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી પરીછા કેનાલ પાસે થયું હતું. આ કાર્યવાહી STF દ્વારા કરવામાં આવી હતી. અસદની સાથે તેનો સહયોગી ગુલામ હસન પણ માર્યો ગયો હતો. બંને ઉમેશ પાલ હત્યાકાંડમાં વોન્ટેડ હતા અને તેમના પર રુપિયા ૫-૫ લાખનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. પોલીસે બંને પાસેથી આધુનિક શસ્ત્રો જપ્ત કર્યા હતા.

ત્યારબાદ બીજા પુત્ર અલી અહેમદને ઝાંસી જિલ્લા જેલમાં રાખવામાં આવ્યો હતો. હવે તે જ અલીને મળવા આવતી વખતે સૌથી નાના પુત્ર અબાનના અકસ્માતની ખબરે સમગ્ર રાજ્યનું ધ્યાન ફરી એકવાર ઝાંસી તરફ ખેંચ્યું છે.

Whatsapp-channel Whatsapp-channel

06 August, 2026 02:58 PM IST | Jhansi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK