સરકારે તો ૧૨ લાખની આવક સુધી ઇન્કમ ટૅક્સ માફ કર્યો, પણ તમે કર્મચારીઓનો પગાર વધાર્યો? નવા લોકોને નોકરીમાં રાખ્યા?
ગઈ કાલે દિલ્હીના ભારત મંડપમમાં FICCIની ઇવેન્ટમાં સ્મારક સ્ટૅમ્પનું ઉદ્ઘાટન કરતા નરેન્દ્ર મોદી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે દિલ્હીમાં ફેડરેશન ઑફ ઇન્ડિયન ચેમ્બર્સ ઑફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રી (FICCI)ના ૧૦૦મી વર્ષગાંઠના સમારોહને સંબોધિત કરતી વખતે ઉદ્યોગપતિઓ અને વેપારીઓને તેમના તમામ રોકાણના નિર્ણયોમાં ભારતને પ્રાથમિકતા આપવા અપીલ કરી હતી. આ મુદ્દે નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘ઉદ્યોગપતિઓ અને વેપારીઓએ આગામી ૨૦ વર્ષ સુધી તેમના લાંબા ગાળાના રોકાણનિર્ણયોમાં ભારતને પ્રાથમિકતા આપવી જોઈએ. આનાથી દેશની અર્થવ્યવસ્થા મજબૂત થશે, આત્મનિર્ભરતાને પ્રોત્સાહન મળશે અને નવી વ્યાવસાયિક તકોનું સર્જન થશે.’
નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા ટૅક્સ-રિફૉર્મ્સનો ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું હતું કે ‘૨૦૧૪થી બેઝિક કૉર્પોરેટ ટૅક્સ દર ૩૦ ટકા રહેતો હતો. અમે એને ઘટાડીને બાવીસ ટકા કરી દીધો છે. આજે ભારતમાં ૧૨ લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટૅક્સ નથી.’
ADVERTISEMENT
આટલું જણાવીને નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘મને ખબર છે કે તમે તાળીઓ નહીં પાડો, મને સારી રીતે ખબર છે; કારણ કે તમારી ભૂખ એટલી છે કે ગમે તેટલું ખવડાવો તો પણ પેટ ભરાતું નથી. મેં તો ૧૨ લાખ રૂપિયા સુધીની આવક પર ઇન્કમ ટૅક્સ માફ કરી દીધો, શું તમે તમારા કર્મચારીઓના પગારમાં વધારો કર્યો છે? શું તમે નવા લોકોને નોકરી પર રાખ્યા છે? જણાવો... મોદીજી તમે કરો, અમે જોઈ લઈશું... શું આમ જ ચાલશે?’
આજે પણ ગાંધીજીના વિચારો સુસંગત
નરેન્દ્ર મોદીએ તેમના સંબોધનમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સ્વદેશી ચળવળનો ઉલ્લેખ કર્યો અને આ ફિલસૂફી દેશના દરેક ઘર સુધી ફેલાવવાની પણ અપીલ કરી. આ મુદ્દે તેમણે કહ્યું હતું કે ‘લગભગ એક સદી પહેલાં ગાંધીજીએ સ્વદેશી ઉત્પાદનો અપનાવવા અને આર્થિક આત્મનિર્ભરતા પર ભાર મૂક્યો હતો. તેમના વિચારો આજે પણ એટલા જ સુસંગત છે. આટલાં વર્ષો પછી પણ દેશને હજુ પણ એ જ સંદેશ આપવાની જરૂર છે.’
કૃષિક્ષેત્રમાં રોકાણ વધારવા હાકલ
નરેન્દ્ર મોદીએ ઉદ્યોગોને કૃષિક્ષેત્રમાં રોકાણ વધારવા માટે પણ હાકલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ‘કોઈ પણ દેશમાં આર્થિક પ્રગતિ ત્યારે જ શક્ય છે જ્યારે ખેડૂતો, નાના વેપારીઓ, ઉદ્યોગપતિઓ, રોકાણકારો અને કર ચૂકવનારા નાગરિકોને સન્માન મળે.’ તેમણે ઉદ્યોગોને દેશની આર્થિક ક્ષમતાને મજબૂત બનાવવા અને આત્મનિર્ભર ભારત બનાવવા માટે સક્રિય ભૂમિકા ભજવવાની પણ અપીલ કરી હતી.
ગરીબીમાંથી ૫૦ કરોડ લોકો બહાર આવ્યા
વડા પ્રધાને પોતાના સંબોધનમાં ગરીબી ઘટાડવા માટે સરકારના પ્રયાસોનો પણ ઉલ્લેખ કરી વર્લ્ડ બૅન્કના તાજેતરના અહેવાલને ટાંકીને દાવો કર્યો હતો કે છેલ્લાં ૧૨થી ૧૩ વર્ષમાં લગભગ ૫૦ કરોડ ભારતીયો ગરીબીમાંથી બહાર આવ્યા છે. ૧૯૭૦ના દાયકામાં આપવામાં આવેલા ‘ગરીબી હટાઓ’ના નારાને યાદ કરાવતાં વડા પ્રધાને કહ્યું કે ‘સમયે દેશની વસ્તી લગભગ ૫૦ કરોડ હતી. જો એ સમયે યોગ્ય નીતિઓ અને અસરકારક યોજનાઓ લાગુ કરવામાં આવી હોત, તો ગરીબી ઘટાડવામાં વધુ સારાં પરિણામો પ્રાપ્ત થઈ શક્યાં હોત. આજે સારી નીતિઓ અને મજબૂત ઇરાદાઓને કારણે મોટી સંખ્યામાં લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે.’
