અશ્વિની વૈષ્ણવે પોસ્ટ કર્યો મૅપલ્સ ઍપનો વિડિયો, ગૂગલ મૅપને બદલે સ્વદેશી ઍપ વાપરવાની અપીલ- ગૂગલ મૅપ જેવો જ સચોટ રિયલ-ટાઇમ નેવિગેશન ડેટા પૂરો પાડે છે આ સ્વદેશી ઍપ્લિકેશન
મૅપમાયઇન્ડિયા કંપનીની આ મૅપલ્સ ઍપ્લિકેશન્સ પણ ગૂગલ મૅપ્સની જેમ જ રિયલ-ટાઇમ ડેટા અપડેટ્સ પૂરા પાડે છે
ઝોહો પછી અત્યારે મૅપલ્સ ઍપ્લિકેશન ભારતની સ્વદેશી ટેક્નૉલૉજી આધારિત ઍપ્લિકેશન્સ વાપરવાના ટ્રેન્ડને આગળ વધારી રહી છે. સરકાર તરફથી પણ ચૅટિંગ, મેઇલિંગ અને હવે નેવિગેશન માટેની સ્વદેશી ઍપ્લિકેશન્સને મજબૂત ટેકો અને પ્રોત્સાહન મળી રહ્યાં છે. શનિવારે કેન્દ્રીય રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે પોતે મૅપલ્સ ઍપ્લિકેશનનો ઉપયોગ કરતા હોય એવો વિડિયો પોસ્ટ કર્યો હતો અને સાથે લખ્યું હતું કે ‘સ્વદેશી ઍપ મૅપલ્સ સરસ ફીચર ધરાવે છે. એક વાર જરૂર ટ્રાય કરજો.’
મૅપલ્સ એ નેવિગેશન માટેની ભારતની સ્વદેશી ઍપ્લિકેશન છે. અત્યારે વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ઍપ્લિકેશન ગૂગલ મૅપ્સનો ભારતનો પોતીકો વિકલ્પ છે. મૅપમાયઇન્ડિયા કંપનીની આ મૅપલ્સ ઍપ્લિકેશન્સ પણ ગૂગલ મૅપ્સની જેમ જ રિયલ-ટાઇમ ડેટા અપડેટ્સ પૂરા પાડે છે. આ ઍપ્લિકેશન ભારતના ટ્રાફિક અને રસ્તાઓની વિશ્વસનીય માહિતી આપે છે. નવા હાઇવે અને એક્સપ્રેસવે તેમ જ રસ્તાઓ પર ચાલી રહેલા બાંધકામોની વિગતો પણ અપડેટ કરવામાં આવે છે.


