અરવિંદ કેજરીવાલે કાર્યકરોને સંબોધતી વખતે કહ્યું...
અરવિંદ કેજરીવાલ
તિહાડ જેલમાંથી છૂટીને બહાર આવ્યા બાદ ગઈ કાલે આમ આદમી પાર્ટી (AAP)ના કાર્યકરોને સંબોધતાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે જો લોકસભાની ચૂંટણીમાં જીત મેળવીને ભારતીય જનતા પાર્ટી (BJP) ફરી સત્તામાં આવશે તો પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજી, મહારાષ્ટ્રમાં શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરે અને બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવ સહિતના વિપક્ષના બધા નેતાઓને BJP જેલમાં પૂરી દેશે.
આ સિવાય કેજરીવાલે દાવો કર્યો હતો કે જો BJP સત્તામાં વાપસી કરશે તો તેઓ બે મહિનામાં ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાનને બદલી નાખશે. કેજરીવાલે વિશ્વાસ દર્શાવ્યો હતો કે ચોથી જૂને જ્યારે લોકસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થશે ત્યારે BJP ફરી સત્તામાં નહીં આવે અને વિપક્ષના INDIA બ્લૉકની નવી સરકાર સત્તામાં આવશે. AAPના કાર્યકરોમાં ઉત્સાહ જગાવતાં તેમણે કહ્યું હતું કે ‘જેલમાંથી બહાર નીકળ્યા બાદ ૨૦ કલાકમાં મેં ચૂંટણી-નિષ્ણાતો અને લોકો સાથે વાતચીત કરી હતી અને એવું જાણ્યું છે કે BJP સત્તામાં ફરી આવી રહી નથી. કેન્દ્રમાં જે નવી સરકાર બનશે એમાં AAP પણ હિસ્સો હશે અને અમે દિલ્હી માટે પૂર્ણ રાજ્યનો દરજ્જો મેળવીને રહીશું.’
ADVERTISEMENT
રાજીનામું શા માટે ન આપ્યું?
કેજરીવાલ જેલમાં હતા ત્યારે BJPએ તેમના રાજીનામાની માગણી કરી હતી, પણ આ મુદ્દે કેજરીવાલે કહ્યું હતું કે મારા માટે મુખ્ય પ્રધાનનું પદ મહત્ત્વનું નથી. હું રાજીનામું આપી દઉં એવું દબાણ લાવવા માટે મારી સામે બનાવટી કેસ ઠોકી બેસાડવાનું ષડ્યંત્ર ઘડી કાઢવામાં આવ્યું હતું, એટલે મેં રાજીનામું આપ્યું નહોતું.
BJP પર આકરા પ્રહાર કરતાં કેજરીવાલે કહ્યું હતું કે ~BJPએ તેમની પાર્ટીમાં ચોર અને ડાકુઓને ભર્યા છે. જો વડા પ્રધાનને ભ્રષ્ટાચાર સામે કેવી રીતે લડવું જોઈએ એ શીખવું હોય તો તેમણે અરવિંદ કેજરીવાલ પાસેથી શીખવું જોઈએ. અમે ભ્રષ્ટાચારીઓને અને અમારા મંત્રીઓને પણ જેલમાં મોકલી દીધા છે. વડા પ્રધાને AAP પાર્ટીને ખતમ કરવા માટે કોઈ મોકો છોડ્યો નથી, તેમણે અમારી પાર્ટીના ચાર ટોચના નેતાઓને જેલમાં મોકલી દીધા હતા.

