Amit Shah on Jagdeep Dhankar’s Vice President Exit: જગદીપ ધનખરના રાજીનામા પર પહેલી વાર બોલ્યા અમિત શાહ, ‘બંધારણીય પદ પર હતા અને સારું કામ કરતા હતા પણ…’
અમિત શાહની ફાઇલ તસવીર
દેશના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર (Jagdeep Dhankar)એ ગત મહિને સંસદના ચોમાસુ સત્રના પહેલા દિવસે ૨૧ જુલાઈના રોજ ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપ્યું હતું. વિપક્ષે તેમના રાજીનામા અંગે સરકાર (Indian Government) પર સતત સવાલ ઉઠાવ્યા હતા. ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના રાજીનામા અંગે વધી રહેલી અટકળો પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah)એ પહેલી વાર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું હતું કે, જગદીપ ધનખરે સ્વાસ્થ્યના કારણોસર રાજીનામું આપ્યું છે. આ સાથે જ ગૃહમંત્રીએ વિપક્ષના દાવાઓને પણ ફગાવી દીધા હતા કે, તેઓ નજરકેદ છે.
પહેલી વાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જગદીપ ધનખર અને ઉપરાષ્ટ્રપતિ પદ તેમના રાજીનામા (Amit Shah on Jagdeep Dhankar’s Vice President Exit) વિશે વાત કરી છે. તેમણે જગદીપ ધનખર વિશે થતી ઘણી ટીકાઓનો પણ જવાબ આપ્યો છે. શાહે કહ્યું કે, જગદીપ ધનખર બંધારણીય પદ પર હતા. તેમણે તેમના કાર્યકાળ દરમિયાન સારું કામ કર્યું. તે જ સમયે, કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, જ્યાં સુધી જગદીપ ધનખરના રાજીનામાનો સવાલ છે તો તેમણે વ્યક્તિગત સ્વાસ્થ્યના કારણોસર રાજીનામું આપ્યું છે.
ADVERTISEMENT
ગૃહમંત્રી અમિત શાહે સમાચાર એજન્સી એએનઆઇ સાથેની મુલાકાત દરમિયાન જગદીપ ધનખર અને તેમના રાજીનામા વિશેની વાતો કહી હતી. આ દરમિયાન તેમણે અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી. મુલાકાત દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ‘જગદીપ ધનખરજી બંધારણીય પદ પર બેઠા હતા અને તેમણે તેમના કાર્યકાળ દરમિયાન બંધારણ અનુસાર વધુ સારું કામ કર્યું. જગદીપ ધનખરે તેમના સ્વાસ્થ્યના કારણોસર રાજીનામું આપ્યું હતું. તેને વધુ પડતું ખેંચવાની અને કોઈપણ દિશામાં જોવાની જરૂર નથી.’
જ્યારે અમિત શાહને વિપક્ષના જગદીપ ધનખરને નજરકેદ કરવાના દાવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, ‘સત્ય અને અસત્યનું અર્થઘટન ફક્ત વિપક્ષના નિવેદનો પર આધારિત ન હોવું જોઈએ અને ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિના રાજીનામા પર હોબાળો મચાવવા સામે ચેતવણી આપી. એવું લાગે છે કે સત્ય અને અસત્યનું તમારું અર્થઘટન વિપક્ષના નિવેદનો પર આધારિત છે. આપણે આ બધા પર હોબાળો ન કરવો જોઈએ. જગદીપ ધનખર બંધારણીય પદ પર હતા અને તેમણે બંધારણ અનુસાર પોતાની ફરજો બજાવી હતી. તેમણે વ્યક્તિગત સ્વાસ્થ્યના કારણોસર રાજીનામું આપ્યું હતું. આ મુદ્દા પર વધુ ચર્ચા ન થવી જોઈએ.’
ગૃહમંત્રી અમિત શાહનું આ નિવેદન વિપક્ષમાંથી જગદીપ ધનખરના અચાનક રાજીનામા બાદ આવ્યું છે, જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે સરકારે ધનખરને ચૂપ કરી દીધા છે.
નોંધનીય છે કે, જગદીપ ધનખરે સંસદના ચોમાસુ સત્રના પહેલા દિવસે ૨૧ જુલાઈના રોજ ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ (Droupadi Murmu)ને સોંપવામાં આવેલા પત્રમાં તેમણે કહ્યું હતું કે, તેઓ તેમના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવા અને ડોકટરોની સલાહનું પાલન કરવા માંગે છે. જગદીપ ધનખરના રાજીનામા પછી રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ નારાયણ સિંહ (Harivansh Narayan Singh)એ ઉપલા ગૃહની કાર્યવાહીની અધ્યક્ષતા કરી.


