મનીષ મલ્હોત્રાએ ડિઝાઇન કરેલો અને બ્રાઝિલિયન મૉડલે પહેરેલો ફ્યુઝન સાડી-લુક સોશ્યલ મીડિયામાં ટ્રોલ થયો
બ્રાઝિલિયન મૉડલ ઍલેઝાન્ડ્રા એમ્બ્રોસિયો શો-સ્ટૉપર
હાલમાં દિલ્હી ખાતે યોજાઈ રહેલા ઇન્ડિયા કુટ્યુઅર વીક 2025માં ડિઝાઇનર મનીષ મલ્હોત્રા માટે બ્રાઝિલિયન મૉડલ ઍલેઝાન્ડ્રા એમ્બ્રોસિયો શો-સ્ટૉપર બનતાં ભારતીય ફૅશનનું ઇન્ટનૅશનલ ગ્લૅમર સાથેનું ગજબનું કૉમ્બિનેશન સર્જાયું હતું. આ શોમાં શો-સ્ટૉપર ઍલેઝાન્ડ્રાએ ફ્યુઝન સાડી પહેરી હતી. જોકે આ સાડી પરંપરાગત સાડી કરતાં સાવ અલગ હતી કારણ કે આ આઉટફિટમાં માત્ર સિલ્વર મર્મેડ-સ્ટાઇલ સ્કર્ટ તેમ જ લો-કટ અને બૅકલેસ શિમરિંગ બ્લાઉઝ હતું જેના પર તેણે ક્રિસ્ટલથી શણગારેલો દુપટ્ટો પહેર્યો હતો. મનીષ મલ્હોત્રાએ ડિઝાઇન કરેલો આ લુક ફૅશનેબલ તો હતો પણ એ કોઈ પણ ઍન્ગલથી સાડી જેવો નહોતો લાગતો અને આના કારણે જ આ લુકને કેટલાક લોકોએ સોશ્યલ મીડિયામાં ટ્રોલ પણ કર્યો છે. કેટલાકે આ લુકને લૉન્ગ સ્કર્ટ, ટ્યુબ ટૉપ અને શ્રગનું કૉમ્બિનેશન ગણાવ્યું છે કે તો કેટલાકે સવાલ કર્યો છે કે જો આ સાડી હોય તો પલ્લુ ક્યાં છે?


