નાનાં બાળકો અને વડીલો સાથે છે, ક્યારે મેલબર્ન પહોંચીશું? ફ્લાઇટ ડિલે થાય એ સમજાય, પણ અચાનક કૅન્સલ કઈ રીતે કરી શકાય? આ ઍરલાઇન્સની બેદરકારી છે.
પ્રતીકાત્મક તસવીર
દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર મંગળવારે બપોરે મુસાફરોની ભારે ભીડ જમા થઈ હતી. સામાન અને પરિવારજનો સાથે ઍરપોર્ટ પહોંચેલા અનેક મુસાફરોને ઍરપોર્ટ પહોંચ્યા બાદ ઍર ઇન્ડિયાની મેલબર્ન જતી AI-308 ફ્લાઇટ રદ થઈ હોવાની જાણ થઈ હતી. અમુક મુસાફરોને બોર્ડિંગ-ગેટ પર પહોંચ્યા પછી ફ્લાઇટ રદ થઈ હોવાની ખબર પડી હતી. ઍરપોર્ટ ઑથોરિટી કે ઍરલાઇન્સ દ્વારા ફ્લાઇટ રદ થયાનું કારણ પણ સ્પષ્ટ રીતે જણાવવામાં નહોતું આવ્યું તેમ જ રીફન્ડ કે ફ્લાઇટ રીશેડ્યુલ માટે પણ કોઈ જવાબ ન મળતાં વડીલો, વિદ્યાર્થીઓ અને બાળકો સહિત અનેક મુસાફરોએ ઍરપોર્ટ પર બેસીને વિરોધ-પ્રદર્શન કરવાનો રસ્તો અપનાવ્યો હતો. મુસાફરોએ ‘ઍર ઇન્ડિયા મુર્દાબાદ’ના નારા લગાવ્યા હતા. આક્રોશ ઠાલવતાં ઍરલાઇન્સ સામે તેમણે સવાલ કર્યા હતા કે ‘ફ્લાઇટના સ્ટેટસ માટે મુસાફરોને એક મેસેજ પણ કેમ કરવામાં ન આવ્યો? નાનાં બાળકો અને વડીલો સાથે છે, ક્યારે મેલબર્ન પહોંચીશું? ફ્લાઇટ ડિલે થાય એ સમજાય, પણ અચાનક કૅન્સલ કઈ રીતે કરી શકાય? આ ઍરલાઇન્સની બેદરકારી છે.’
દિલ્હી-પૅરિસ ફ્લાઇટ પણ રદ
આ ઉપરાંત દિલ્હીથી પૅરિસ જતી AI-143ના ટેકઑફ પહેલાં કરવામાં આવતી પ્રાથમિક તપાસ માટે ફ્લાઇટ કૅન્સલ કરી હોવાનું ઍર ઇન્ડિયાએ જણાવ્યું હતું. વળતી ફ્લાઇટ AI-142 પૅરિસ-દિલ્હી બુધવારે આ જ કારણસર રદ રહેશે.
ADVERTISEMENT
સ્પાઇસ જેટનું ફૂડ ખાઈને મુસાફરોએ પૂછ્યું, અમે માણસ છીએ કે પશુ?
સ્પાઇસ જેટની લેહથી દિલ્હી જતી ફ્લાઇટ સાત કલાક મોડી પડી હતી. દરમ્યાન ઍરલાઇન્સ દ્વારા મુસાફરોને જે ફૂડ આપવામાં આવ્યું હતું એની ગુણવત્તાથી નારાજ થઈને મુસાફરોએ ઍરલાઇન્સના સ્ટાફને એ ફૂડ ખાવા માટે દબાણ કર્યું અને ખવડાવીને પૂછ્યું કે ‘અમને પણ ખબર પડે કે અમે માણસ છીએ કે પશુ?’
આ બનાવ બે અઠવાડિયાં પહેલાંનો છે જેનો વિડિયો તાજેતરમાં વાઇરલ થયો હતો. જોકે સ્પાઇસ જેટે પોતાના ફૂડ માટેના આવા દાવા ખોટા હોવાનું કહ્યું હતું. તેઓ મુસાફરોને ફ્રેશ ફૂડ જ આપે છે, એવું પણ સ્પાઇસ જેટે જણાવ્યું હતું.


