આ વાત પુરવાર કરીને તામિલનાડુની એસ. યોગેશ્વરી IIT-મુંબઈમાં ઍરોસ્પેસ એન્જિનિયરિંગનો અભ્યાસ કરશે : પપ્પા ચાની દુકાનમાં કામ કરે છે, મમ્મી ફટાકડાના યુનિટમાં નોકરી કરે છે
એસ. યોગેશ્વરી મુંબઈમાં આવેલી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (IIT)માં ઍરોસ્પેસ એન્જિનિયરિંગનો અભ્યાસ કરવાની છે
તામિલનાડુના ગ્રામ્ય વિસ્તારમાં એક ગરીબ પરિવારમાં જન્મેલી અને જન્મથી ડ્વાૅર્ફિઝમ એટલે કે ઠીંગણાપણું ધરાવતી હોવા છતાં એસ. યોગેશ્વરી મુંબઈમાં આવેલી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (IIT)માં ઍરોસ્પેસ એન્જિનિયરિંગનો અભ્યાસ કરવાની છે. દેશમાં એન્જિનિયરિંગ ક્ષેત્રમાં પ્રવેશ માટેની સૌથી મુશ્કેલ ગણાતી જૉઇન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન (JEE) ઍડ્વાન્સને પાર કરવા માટે તેણે તમામ મુશ્કેલીઓનો સામનો કર્યો હતો અને પોતાનાં સપનાં પૂરાં કર્યાં હતાં. થોડાં વર્ષ પહેલાં યોગેશ્વરી ઍરોસ્પેસ એન્જિનિયરિંગ વિશે કાંઈ જાણતી નહોતી, પરંતુ હવે તે આ ક્ષેત્રનો અભ્યાસ IIT-મુંબઈમાં કરશે.
સામાન્ય પરિવાર
ADVERTISEMENT
તામિલનાડુના વિરુધુનગરના એક નાનકડા ગામમાં જન્મેલી યોગેશ્વરીના પપ્પા ચાની દુકાનમાં નોકરી કરે છે, જ્યારે મમ્મી ફટાકડાના યુનિટમાં દૈનિક વેતન પર મજૂરી કરે છે. તેનાં મમ્મી-પપ્પા હંમેશાં તેને અને તેના બે મોટા ભાઈઓને શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહિત કરતાં હતાં. તેનો એક ભાઈ બૅચલર ઑફ કૉમર્સ (BCom) કરે છે અને બીજો ભાઈ ફિઝિકલ એજ્યુકેશન ભણી રહ્યો છે.
સાયન્સમાં રસ, માતૃભાષામાં અભ્યાસ
યોગેશ્વરી સાતમા ધોરણથી સાયન્સ તરફ આકર્ષાઈ હતી. શરૂઆતમાં તેને મેડિકલ સાયન્સમાં આગળ વધવું હતું. સત્તુર નજીકની એક સરકારી તામિલ સ્કૂલમાંથી તેણે બારમા ધોરણનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. બારમા ધોરણમાં ભણતી વખતે તેણે તામિલનાડુ સરકાર દ્વારા ચલાવવામાં આવતી નાન મુધલવન યોજનામાં ભાગ લીધો અને તેનો ઍરોસ્પેસ એન્જિનિયરિંગમાં રસ વધવા લાગ્યો હતો. તેણે બારમા ધોરણનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી JEE મેઇન્સમાં બેસવાનું નક્કી કર્યું હતું. શરૂઆતમાં તેની મમ્મીએ તેને બારમા ધોરણમાં ૪૫૦થી ઓછા માર્ક મેળવવા બદલ ઠપકો આપ્યો હતો, પરંતુ યોગેશ્વરીએ JEEમાં શ્રેષ્ઠ દેખાવ કરવાનું વચન આપ્યું હતું. તેના શિક્ષકોના સમર્થન અને તેનાં માતાપિતાના પ્રોત્સાહનથી IIT એન્ટ્રન્સની તૈયારી કરવા માટે યોગેશ્વરી ઇરોડમાં ૪૦ દિવસના JEE-ઍડ્વાન્સ કોચિંગ કૅમ્પમાં ગઈ હતી. યોગેશ્વરી ક્યારેય તેના ક્લાસમાં ટોચ પર રહી નહોતી, પણ હંમેશાં નવું શીખવા માટે ઉત્સુક રહેતી હતી. JEEમાં યોગેશ્વરીએ સફળતા મેળવતાં તેની મમ્મીના ગુસ્સાનાં આંસુ ગર્વનાં આંસુમાં ફેરવાઈ ગયાં હતાં.
વિરુધુનગર જિલ્લા કલેક્ટર વી. પી. જયસીલને તેને IIT-મુંબઈમાં જોડાવાની તૈયારી કરતી વખતે સંપૂર્ણ સમર્થન આપવાનું વચન આપ્યું છે.

