વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેંગલુરુમાં ‘એરો ઈન્ડિયા ૨૦૨૩’નું ઉદ્ધાટન કર્યું
બેંગલુરુમાં ‘એરો ઈન્ડિયા ૨૦૨૩’ના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (તસવીર સૌજન્ય : પી.ટી.આઇ.)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ આજે બેંગલુરુ (Bengaluru)ના યેલાહંકા એરફોર્સ સ્ટેશન (Yelahanka Air Force Station) ખાતે ‘એરો ઈન્ડિયા ૨૦૨૩’ (Aero India 2023) ૧૪મી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું. ઉદ્ઘાટન સમારોહમાં વડાપ્રધાને કહ્યું કે, ‘એરો ઈન્ડિયા માત્ર શૉ નથી એ તો ભારતની તાકાત છે.’
‘એરો ઈન્ડિયા ૨૦૨૩’ના ઉદ્ઘાટન સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘આ શોમાં દેશ-વિદેશના પ્રદર્શકો ભાગ લઈ રહ્યા છે. જેણે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. તેમાં ભારતીય સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય (MSME), સ્વદેશી સ્ટાર્ટઅપ્સ અને વિશ્વની જાણીતી કંપનીઓ પણ છે. એરો ઈન્ડિયાની આ ઘટના ભારતની વધતી ક્ષમતાનું ઉદાહરણ છે. જેમાં વિશ્વના લગભગ ૧૦૦ દેશોની હાજરી દર્શાવે છે કે ભારત પ્રત્યે વિશ્વની આસ્થા કેટલી વધી છે. ભારત અને વિશ્વના ૭૦૦થી વધુ પ્રદર્શકો ભાગ લઈ રહ્યાં છે અને અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.’
ADVERTISEMENT
આ પણ વાંચો - વિકાસશીલ ભારતની તસવીર છે એક્સપ્રેસવે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી
‘સંરક્ષણ એક એવું ક્ષેત્ર છે, જેની ટેકનોલોજી, બજાર અને તકેદારી સૌથી જટિલ માનવામાં આવે છે. અમારું લક્ષ્ય ૨૦૨૪-૨૫ સુધીમાં તેની નિકાસનો આંકડો ૧.૫ અબજથી વધારીને પાંચ અબજ ડોલર કરવાનો છે. એક સમય હતો જ્યારે તેને માત્ર એક શૉ ગણવામાં આવતો હતો. છેલ્લા કેટલાક વર્ષોમાં દેશે આ ધારણાને બદલી નાખી છે. આજે તે માત્ર એક શૉ નથી પણ ભારતની તાકાત છે. જે ભારતીય સંરક્ષણ ઉદ્યોગ અને આત્મવિશ્વાસના અવકાશ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ૨૧મી સદીનું નવું ભારત ન તો કોઈ તક ગુમાવશે અને ન તો મહેનત કરવામાં પાછળ રહેશે. અમે તૈયાર છીએ. સુધારાના માર્ગ પર અમે દરેક ક્ષેત્રમાં ક્રાંતિ લાવી રહ્યાં છીએ. જે દેશ દાયકાઓ સુધી સંરક્ષણનો સૌથી મોટો આયાતકાર હતો તે દેશ હવે ૭૫ દેશોમાં સંરક્ષણ સાધનોની નિકાસ કરે છે.’, એમ મોદીએ ઉમેર્યું હતું.
આ પણ વાંચો - સંસદમાં ખાસ બ્લૂ કલરની જેકેટ પહેરીને પહોંચ્યા PM,પ્લાસ્ટિકને રિસાઈકલ કરીને બનાવી
તમને જણાવી દઈએ કે, ‘એરો ઈન્ડિયા ૨૦૨૩’ શૉ ૧૭ ફેબ્રુઆરી સુધી ચાલશે. જેમાં ભારતની સ્વદેશી તાકાત જોવા મળશે અને અનેક ફાઈટર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર પ્રદર્શન કરશે. આ એર શૉમાં ઉડ્ડયન ક્ષેત્રે ભારતનો વિકાસ અને તેની સંરક્ષણ ક્ષમતાઓ બતાવવામાં આવશે. આ શૉમાં ભારતીય પેવેલિયન હશે, જે આ ક્ષેત્રમાં ભારતના વિકાસને દર્શાવશે. ભારતીય પેવેલિયનમાં ભારતનું લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસ આકર્ષણનું કેન્દ્ર બનશે. ‘એરો ઈન્ડિયા ૨૦૨૩’ શૉ દરમિયાન એરિયલ સ્ટંટ ઉપરાંત મિટિંગ અને સેમિનારનું પણ આયોજન કરવામાં આવશે.


