પાકિસ્તાની હૅન્ડલર દ્વારા કટ્ટરપંથી બનાવવામાં આવેલા અશર દાનિશની ધરપકડ : ISIS માટે તેની રૂમ ભરતીકેન્દ્ર પણ હતી
અશર દાનિશની આ રૂમમાં બૉમ્બ બનાવવાની ફૅક્ટરી ચાલતી હતી.
દિલ્હી પોલીસ અને ઝારખંડ ઍન્ટિ ટેરરિઝમ સ્ક્વૉડ (ATS) દ્વારા રાંચીમાં એક લૉજમાંથી દસમા ધોરણની પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થી હોવાનો દાવો કરતા અશર દાનિશની ધરપકડ કરવામાં આવી હતી. આ લૉજમાં આવેલી દાનિશની ગંદી રૂમમાં બૉમ્બ બનાવવાની ફૅક્ટરી ચાલતી હતી અને આ રૂમ ઇસ્લામિક સ્ટેટ ઑફ ઇરાક ઍન્ડ સિરિયા (ISIS) માટે ભરતીકેન્દ્ર હોવાનું પણ જાણવા મળ્યું છે. અહેવાલોમાં જણાવાયું છે કે અશર દાનિશને એક પાકિસ્તાની હૅન્ડલર દ્વારા કટ્ટરપંથી બનાવવામાં આવ્યો હતો.
લૉજમાં ૧૫ નંબરનો રૂમ દાનિશનો હતો અને તે સરકારી નોકરીઓમાં નિમણૂક માટે સ્પર્ધાત્મક પરીક્ષા માટે અભ્યાસ કરતો હતો એવું દર્શાવવામાં આવ્યું હતું, પણ હકીકતમાં તે ISIS આતંકવાદી જૂથ માટે બૉમ્બ બનાવતો હતો. ગયા અઠવાડિયે દિલ્હી પોલીસે બીજા આતંકવાદી આફતાબ કુરેશીની ધરપકડ અને પૂછપરછ કર્યા પછી રૂમ નંબર ૧૫નાં રહસ્યો જાણવા મળ્યાં હતાં. આફતાબ દ્વારા પૂરી પાડવામાં આવેલી માહિતી અને લૉજમાં પાડવામાં આવેલા દરોડામાં મળેલી માહિતીના આધારે રાષ્ટ્રીય રાજધાની અને ઝારખંડની ATSની પોલીસે દાનિશ અને એક ડઝન અન્ય લોકોને શોધી કાઢવા અને ધરપકડ કરવા માટે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી. તેની ધરપકડ સાથે જાણવા મળ્યું હતું કે આ લોકો બૉમ્બ બનાવતા હતા અને ISIS માટે ભરતી કરતા હતા. તેઓ શાસક ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતાઓને નિશાન બનાવવાની યોજના ધરાવતા હતા.
ADVERTISEMENT
ગનપાઉડર અને કેમિકલો મળ્યાં
દાનિશના રૂમમાંથી ગનપાઉડર અને બૉમ્બ તેમ જ મોટી માત્રામાં પોટૅશિયમ નાઇટ્રેટ અને હોમમેડ હથિયારો મળી આવ્યાં હતાં. આ રૂમમાં વિસ્ફોટકો બનાવવામાં આવતા હતા અને પછી સુવર્ણરેખા નદીના પાણીમાં વિસ્ફોટ કરીને એનું પરીક્ષણ કરવામાં આવતું હતું. પોટૅશિયમ નાઇટ્રેટને સૉલ્ટપીટર પણ કહેવાય છે અને એ એક રાસાયણિક સંયોજન છે જે ખાતરોમાં પણ જોવા મળે છે અને ગનપાઉડર બનાવવા માટે વપરાય છે. સફેદ સ્ફટિકીય પાઉડર જો શ્વાસમાં લેવામાં આવે કે પીવામાં આવે તો એ હાનિકારક બની શકે છે. રૂમમાંથી વિવિધ કદ અને તીવ્રતાના વિસ્ફોટકો મળી આવ્યા હતા.
ખાસ ઍપ્લિકેશનનો ઉપયોગ
આ ભરતીકેન્દ્રમાં મોટા ભાગનું કામ સિગ્નલ મેસેજિંગ ઍપ્લિકેશન દ્વારા કરવામાં આવતું હતું. શું ચાલી રહ્યું છે એ છુપાવવા માટે ઇન્ટર્ન ઇન્ટરવ્યુ અથવા બિઝનેસ આઇડિયા જેવાં સામાન્ય નામો સાથે બહુવિધ જૂથો બનાવવામાં આવ્યાં હતાં. આ અને અન્ય જૂથોનો ઉપયોગ બૉમ્બ બનાવવાની સામગ્રી ખરીદવા માટે ઉપયોગમાં લેવાતા ભંડોળ એકત્ર કરવા માટે પણ કરવામાં આવ્યો હતો. છરીઓ અને રસાયણો ઍમૅઝૉન પરથી મગાવવામાં આવ્યાં હતાં અને દાનિશના પાકિસ્તાની હૅન્ડલરે તેને PETN અથવા પેન્ટેરિથ્રિટોલ ટેટ્રાનાઇટ્રેટ જેવા વિસ્ફોટકો કેવી રીતે બનાવવા એ શીખવ્યું હતું.


