પુણેના 11 પૂરગ્રસ્તોને બચાવનારી યુવતીનો મૃતદેહ ચાર દિવસે મળ્યો
સાસવડની બાવીસ વર્ષની સ્મિતા ઉર્ફે ચકુલી કોમનેનો મૃતદેહ મળ્યો
પુણેમાં પૂર ઓસર્યા પછી મૃતદેહો અને અન્ય વસ્તુઓની શોધખોળની કામગીરીમાં ચાર દિવસે સાસવડની બાવીસ વર્ષની સ્મિતા ઉર્ફે ચકુલી કોમનેનો મૃતદેહ એના ગામથી ૧૦ કિલોમીટર દૂર મળ્યો હતો. સ્વાતંત્ર્યસેનાની ઉમાજી નાઈકની સાતમી પેઢીની વંશજ સ્મિતા કોમને સાસવડ તાલુકાના ભિવડી ગામમાં રહે છે. બુધવારે ભારે વરસાદમાં તણાઈ જતાં પાળેલાં પશુ ઉપરાંત ૧૧ જણને બચાવવામાં મદદ કર્યા બાદ સ્મિતા પોતે જળપ્રવાહમાં ખેંચાઈ ગઈ હતી. ગઈ કાલે બપોરે એના ઘરના વિસ્તારથી ૧૦ કિલોમીટર દૂર બોરાવાકે ગામમાં કરહા નદીમાં કપડાંના મોટા જથ્થાની અંદર અટવાયેલો સ્મિતાનો મૃતદેહ મળ્યો હતો. નદીને કિનારે રમતાં બાળકોને કપડાંની વચ્ચે બે હાથ દેખાતાં તેમણે બચાવ કાર્યકરોનું ધ્યાન દોર્યું હતું.
ગયા બુધવારે ચાર કલાક સુધી પડેલા ભારે વરસાદ (૧૦૬ મિલીમીટર)ને કારણે આખા પુણે શહેર અને પાંચ તાલુકા (સાસવડ, ભોર, હવેલી, પુરંદર અને ખેડ-શિવપુર)માં જાનમાલને ભારે નુકસાન થયું હતું. કોમને પરિવાર વરસાદને કારણે અન્ય પરિચિતના ઘરે રહેતો હોવાથી તેઓ સ્મિતાની મરણોત્તર ક્રિયા તેમના ઘરે કરી શક્યા નહોતા. પુણેના એ વિસ્તારમાં જાનમાલનું મોટું નુકસાન થયું હોવા છતાં કોઈ પણ પ્રધાન કે વિધાનસભ્યે એ વિસ્તારની મુલાકાત લીધી નહોતી.
ADVERTISEMENT
સ્મિતા સાસવડ તાલુકાના ભિવડી ગામમાં પુરંદર કિલ્લાની નજીકના વિસ્તારમાં રહેતી સેકન્ડ યર બીએસસીની વિદ્યાર્થિની હતી. સ્મિતા ગયા બુધવારે ઘરની પરસાળની બહાર બેસીને ભણતી હતી ત્યારે ભારે વરસાદને કારણે એ વિસ્તારમાં ભરાતાં પાણીની સપાટી વધવા માંડી હતી. એ વખતે સ્મિતા એનાં ૭૫ વર્ષનાં દાદીમા ગજરાબાઈની સાથે ગામના લોકોને સાવચેત કરવા નીકળી હતી. એ રાતે સ્મિતા અને ગજરાબાઈ લપસીને વહેતાં પાણીમાં તણાઈ ગયાં હતાં. એનડીઆરએફની બચાવ ટુકડીને ગજરાબાઈનો મૃતદેહ મળ્યો હતો, પરંતુ સ્મિતાના સગડ નહીં મળતાં તે જીવતી હોવાની આશા કુટુંબીજનોને હતી, પરંતુ ગયા રવિવારે બપોરે બોરાવાકે ગામમાંથી તેનો મૃતદેહ મળ્યો હતો.


