તેઓ કહે છે, મારાં સંતાનો ખરાબ નથી, અસહાય છે
૮૦ વર્ષનાં રેખા દ્વિવેદી
પ્રયાગરાજમાં ૮૦ વર્ષનાં રેખા દ્વિવેદીને તેમના પુત્રો મહાકુંભમાં છોડીને ફરાર થઈ ગયા છે. એક પત્રકાર દ્વારા વાઇરલ કરવામાં આવેલા વિડિયોમાં ઑનલાઇન આક્રોશ અને ભાવનાત્મક પ્રતિક્રિયાનું એક વૈચારિક મંથન શરૂ થયું છે.
મહિલાને ચાર દીકરા છે, જેમાં એક હાઈ કોર્ટમાં વકીલ અને એક લેક્ચરર છે. બે દીકરા ખાનગી કંપનીમાં સારી પોસ્ટ પર નોકરી કરી રહ્યા છે. એમ છતાં તમામ પુત્રો તેમને તરછોડીને ફરાર થઈ ગયા છે. જ્યારે લૉસ્ટ ઍન્ડ ફાઉન્ડ સેન્ટરના માધ્યમથી તેમના પુત્રોનો સંપર્ક કરવામાં આવ્યો તો તેમણે મિહલાને સ્વીકારવાનો કે ઓળખવાનો જ ઇનકાર કરી દીધો હતો. એક પુત્રએ તો એવું જણાવ્યું કે અમારે તેમની સાથે કોઈ જ સંબંધ નથી.
ADVERTISEMENT
એક તરફ કોઈક માતા-પિતાને કાવડમાં બેસાડીને લઈ જઈ રહ્યા છે તો કોઈક માથે દેવું કરીને કે ઉછીના પૈસા લઈને પણ માતા-પિતાને મહાકુંભની યાત્રાએ લઈને આવી રહ્યા છે, જ્યારે બીજી તરફ આવાં સંપન્ન સંતાનો છે જે કુંભમાં માતા-પિતાને માત્ર તરછોડવા માટે જ લાવે છે. જોકે મા તો મા હોય છે, કારણ કે વૃદ્ધ અસહાય હોવા છતાં તે પોતાનાં સંતાનોને દોષ આપવાનું ટાળે છે. તે જણાવે છે કે મારાં સંતાનો બેકાર નથી, બસ અસહાય છે. એ આશામાં કે તેને ક્યારેક તેનાં સંતાનો લેવા આવશે.
મહાકુંભની સેન્ટ્રલ હૉસ્પિટલમાં ૧૮ બાળક જન્મ્યાં
પ્રયાગરાજના મહાકુંભનગરમાં ખોલવામાં આવેલી સેન્ટ્રલ હૉસ્પિટલમાં એક મહિનામાં ૧૮ ગર્ભવતી મહિલાઓએ બાળકોને જન્મ આપ્યો હતો. આ તમામ ડિલિવરી નૉર્મલ હતી અને કોઈ પણ મહિલાને સર્જરીની જરૂર પડી નહોતી. આ બાળકોનાં નામ પણ ધર્મ અને અધ્યાત્મના હિસાબે રાખવામાં આવ્યાં હતાં જેમાં કુંભ, સંગમ, ગંગા, યમુના, સરસ્વતી, અમૃત, બજરંગી, શંભુ, કર્ણ અને વસંતનો સમાવેશ છે. બાળકોનાં નામ ડૉક્ટરોએ તેમના પરિવારજનોના કહેવાથી રાખ્યાં હતાં. ડૉક્ટરોએ જણાવ્યું હતું કે આ નવજાતના જન્મ તેમના પરિવાર માટે જ નહીં, આખા કુંભ ક્ષેત્ર માટે વિશેષ છે.


