બે બહેનોમાંનાં એક સુહાગ શુક્લએ પપ્પાની વિશ પૂરી કરવાની વાત સોશ્યલ મીડિયા પર મૂકી અને એ પોસ્ટ એવી વાઇરલ થઈ ગઈ કે લોકોએ કહ્યું કે આવી દીકરીઓ ભગવાન બધાને આપે
પપ્પાની બર્થ-ડે ગિફ્ટ તરીકે પેરન્ટ્સને અમેરિકાથી મહાકુંભમાં સંગમસ્નાન કરાવવા લઈ આવી બે ગુજરાતી બહેનો
સોશ્યલ મીડિયા પર દરરોજ મહાકુંભ સાથે સંકળાયેલી અવનવી વાઇરલ સ્ટોરીઓ આવી રહી છે અને લોકો પણ એમાં ભરપૂર રસ લઈ રહ્યા છે. તાજેતરમાં સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર ઇન્ડિયન-અમેરિકન સુહાગ શુક્લએ એક પોસ્ટ મૂકી જેમાં તેમણે લખ્યું કે ‘મેં અને મારી બહેને પપ્પાને પૂછ્યું કે તમને બર્થ-ડે ગિફ્ટમાં શું જોઈએ છે ત્યારે પપ્પાએ જવાબ આપ્યો કે કે મારી પાસે તો બધું જ છે છતાં તું પૂછે જ છે તો કહીશ કે મારે ઇન્ડિયામાં ચાલી રહેલા કુંભમેળામાં ગંગાસ્નાન કરવું છે. એટલે આજ્ઞાંકિત દીકરીના નાતે, કૅલિફૉર્નિયા ટુ પ્રયાગરાજ... હર હર મહાદેવ.’
સુહાગની આ પોસ્ટ ખૂબ વાઇરલ થઈ એટલું જ નહીં, સોશ્યલ મીડિયા યુઝર્સે અઢળક કમેન્ટ પણ કરી. એક યુઝરે લખ્યું કે ‘તમારા ફાધર ખરેખર નસીબદાર છે કે તેમને તમારા જેવી દીકરીઓ મળી. તમે અડધું વિશ્વ પાર કરીને તમારા પિતાની ઇચ્છા પૂરી કરવા આવી રહ્યાં છો. સુરક્ષિત રહેજો અને મહાકુંભની દિવ્યતાને સ્પર્શજો.’



