જાસૂસીના આરોપસર ઇન્ડિયન નેવીના આઠ અધિકારીઓને સજા આપવામાં આવી
પ્રતીકાત્મક તસવીર
કતારમાં એક લોકલ કોર્ટ દ્વારા ઇન્ડિયન નેવીના આઠ ભૂતપૂર્વ અધિકારીઓને ગઈ કાલે મૃત્યુદંડ આપવામાં આવ્યો હતો. ભારતે આ ચુકાદાને અત્યંત શૉકિંગ ગણાવ્યો હતો. આ તમામ ભારતીયો અલ દહરા કંપનીના કર્મચારી હતા. જાસૂસીના કથિત કેસમાં ગયા વર્ષે ઑગસ્ટમાં તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. કતારની ઑથોરિટી દ્વારા આ ભારતીય નાગરિકો વિરુદ્ધના આરોપને જાહેર કરવામાં આવ્યા નથી. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે આ કેસને એ અત્યંત મહત્ત્વ આપે છે.
મંત્રાલયે જણાવ્યું હતું કે ‘અમારી પાસે પ્રાથમિક માહિતી છે કે કતારની કોર્ટ ઑફ ફર્સ્ટ ઇન્સ્ટન્સે ગઈ કાલે અલ દહરા કંપનીના આઠ ઇન્ડિયન કર્મચારીઓના કેસમાં ચુકાદો આપ્યો હતો.
ADVERTISEMENT
મૃત્યુદંડના ચુકાદાથી અમને ખૂબ જ આઘાત લાગ્યો છે અને અમે ડિટેઇલ્સ ધરાવતા જજમેન્ટની રાહ જોઈ રહ્યા છીએ. અમે આ ભારતીયોના ફૅમિલીમેમ્બર્સ અને લીગલ ટીમના ટચમાં છીએ અને તમામ લીગલ ઑપ્શન્સને એક્સપ્લોર કરી રહ્યા છીએ. અમે ભારતીયોને સતત તમામ કૉન્સ્યુલર અને લીગલ સહાય પૂરી પાડતા રહીશું.’
મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે ‘અમે આ કેસને અત્યંત મહત્ત્વ આપીએ છીએ. અમે કતારની ઑથોરિટીઝ સમક્ષ આ ચુકાદા વિશે રજૂઆત કરીશું. આ કેસની કાર્યવાહીની ગુપ્તતાને કારણે વધુ જણાવવું યોગ્ય નહીં રહે.’ કતારમાં ભારતના ઍમ્બૅસૅડર પહેલી ઑક્ટોબરે જેલમાં આ ભારતીયોને મળ્યા હતા.
આતંકવાદનો પણ આરોપ મૂકવામાં આવ્યો
કેટલાક રિપોર્ટ્સ અનુસાર આ ભારતીયો એક સીક્રેટ નેવલ પ્રોજેક્ટ પર હતા. તેઓ કતાર માટે જાસૂસી કરી રહ્યા હતા. તેમના પર આતંકવાદનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે. જેમને દોષી ગણાવાયા છે એવા ભારતીયોમાં કૅપ્ટન નવતેજ સિંહ ગિલ, કૅપ્ટન બીરેન્દ્ર કુમાર વર્મા, કૅપ્ટન સૌરભ વશિષ્ઠ, કમાન્ડર અમિત નાગપાલ, કમાન્ડર પુરેન્દુ તિવારી, કમાન્ડર સુગુનકર પકાલા, કમાન્ડર સંજીવ ગુપ્તા અને ખલાસી રાગેશ ગોપકુમાર સામેલ છે.


