પીએમ વિકસિત ભારત રોજગાર નામની આ યોજના હેઠળ યુવાનોને પ્રાઇવેટ કંપનીમાં પહેલી નોકરી મળવા પર ૧૫,૦૦૦ રૂપિયાનું પ્રોત્સાહન આપવામાં આવશે.
પ્રતીકાત્મક તસવીર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૫ ઑગસ્ટના તેમના ભાષણમાં યુવાનો માટે એક લાખ કરોડ રૂપિયાની યોજનાની જાહેરાત કરી છે. પીએમ વિકસિત ભારત રોજગાર નામની આ યોજના હેઠળ યુવાનોને પ્રાઇવેટ કંપનીમાં પહેલી નોકરી મળવા પર ૧૫,૦૦૦ રૂપિયાનું પ્રોત્સાહન આપવામાં આવશે.
પીએમ વિકસિત ભારત રોજગાર યોજના હેઠળ જેમને પહેલી વાર નોકરી મળશે તેમને પ્રોત્સાહિત કરવામાં આવશે. આ પૈસા તે યુવાનોને આપવામાં આવશે જેમના પગારમાંથી દર મહિને પ્રોવિડન્ટ ફન્ડ (PF)ના પૈસા કાપવામાં આવે છે.
ADVERTISEMENT
આ લાભ કોને મળશે?
જે યુવાનો ૨૦૨૫ની ૧ ઑગસ્ટથી ૨૦૨૭ની ૩૧ જુલાઈ વચ્ચે નવી નોકરીમાં જોડાય છે અને દર મહિને તેમના પગારમાંથી PF કાપવામાં આવે છે. આનો અર્થ એ છે કે ઇન્ટર્નશિપ કરી રહેલા યુવાનોને આ લાભ મળશે નહીં.
લાભ કેવી રીતે મળશે?
આ યોજના હેઠળ ૧૫,૦૦૦ રૂપિયા બે હપ્તામાં આપવામાં આવશે.
- નોકરી શરૂ કર્યાના ૬ મહિના પછી પહેલો હપ્તો મળશે.
- અને બીજો હપ્તો ૧૨ મહિના પછી આપવામાં આવશે.
આ યોજના હેઠળ ફક્ત યુવાનોને જ નહીં, પરંતુ કંપનીઓને પણ લાભ મળશે.
કંપનીઓને શું લાભ મળશે?
જે કંપનીઓ EPFO હેઠળ નોંધાયેલી છે અને યુવાનોને રોજગાર આપે છે તેમને લાભ મળશે, પરંતુ કંપનીએ કેટલીક શરતો પૂરી કરવી પડશે.
- ઉદાહરણ તરીકે જો સ્ટાફ ૫૦થી ઓછો હોય તો બે લોકોને નોકરી પર રાખવા પડશે.
- જો સ્ટાફ ૫૦થી વધુ હોય તો ઓછામાં ઓછા પાંચ લોકોને નોકરી પર રાખવા પડશે.
હવે જો પૈસાની વાત કરીએ તો કંપની દરેક યુવાન કર્મચારી માટે ૩૦૦૦ રૂપિયા સુધી મેળવી શકે છે. આ રકમ પગાર પર આધારિત છે. આ પૈસા કંપનીને ૬, ૧૨, ૧૮ અને ૨૪ મહિનાના સમયગાળા પર આપવામાં આવશે.


