ઍર ઇન્ડિયા, ઍર ઇન્ડિયા એક્સપ્રેસ અને ઇન્ડિગો ટોચ પર
ફાઇલ તસવીર
ભારતીય ઍરલાઇન્સનાં વિમાનોમાં ટેક્નિકલ ખામી માટે કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું છે કે અડધાથી વધારે વિમાનોમાં વારંવાર ખામી મળી આવી છે. વળી જે ઍરલાઇન્સનાં વિમાનોમાં વધારે ખામી જોવા મળી છે એમાં ઍર ઇન્ડિયા અને ઇન્ડિગો ઍરલાઇન્સનો સૌથી વધારે હિસ્સો છે.
આ સંદર્ભમાં ગુરુવારે લોકસભામાં આપવામાં આવેલી જાણકારી મુજબ ગયા વર્ષે જાન્યુઆરીથી ૬ શેડ્યુલ્ડ ઍરલાઇન્સનાં ૭૫૪ વિમાનોમાં વારંવાર આવતી ખામીનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. એમાંથી ૩૭૭ વિમાનોમાં વારંવાર ખામી જોવા મળી હતી.
ADVERTISEMENT
ઇન્ડિગોનાં વિમાનોની સૌથી વધારે સમીક્ષા કરવામાં આવી હતી. આ મુદ્દે નાગરી ઉડ્ડયન રાજ્યપ્રધાન મુરલીધર મોહોળે એક લેખિત જવાબમાં કહ્યું હતું કે ૩ ફેબ્રુઆરી સુધીમાં ઇન્ડિગોનાં ૪૦૫ વિમાનોની તપાસ કરવામાં આવી હતી અને ૧૪૮માં વારંવાર ખામી જોવા મળી હતી.
ઍર ઇન્ડિયા અને ઍર ઇન્ડિયા એક્સપ્રેસનાં ૨૬૭ વિમાનોની તપાસ કરવામાં આવી હતી જેમાંથી ૧૯૧ વિમાનોમાં વારંવાર ખામી જોવા મળી હતી, જે ઑડિટ કરાયાની લગભગ ૭૨ ટકા જેટલી થવા જાય છે.
ડેટાથી જાણકારી મળી છે કે ઍર ઇન્ડિયાનાં ૧૬૬માંથી ૧૩૭ વિમાનોમાં વારંવાર ખામી સર્જાય છે. ઍર ઇન્ડિયા એક્સપ્રેસનાં ૧૦૧ વિમાનોમાંથી ૫૪માં વારંવાર આવી સમસ્યા જોવા મળી રહી છે.


