ગોવા નાઇટ-ક્લબ અગ્નિકાંડની તપાસ માટે બની ૪ સભ્યોની તપાસ-સમિતિ
બળીને ખાખ થઈ ગયેલી નાઇટ-ક્લબનો કાટમાળ.
ગોવામાં શનિવારે મોડી તારે ગોવાની બર્ચ બાય રોમિયો લેન નામની નાઇટ-ક્લબમાં રાતે આગ ફાટી નીકળતાં પચીસ લોકો મૃત્યુ પામ્યા હતા. એ પછી ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) દાખલ થયા બાદ ક્લબના માલિકો ગૌરવ અને સૌરભ લુથરાને પકડવા માટે તેમના દિલ્હીના ઘરે પોલીસ મોકલવામાં આવી હતી અને રવિવારે જ તેમની સામે લુકઆઉટ નોટિસ જાહેર કરીને તેમને દેશબહાર ન જવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. જોકે બન્ને ભાઈઓએ એ પહેલાં જ પોલીસને ચકમો આપી દીધો હતો. ગૌરવ અને સૌરભ લુથરા તેમના દિલ્હીના ઘરે નહોતા મળ્યા એટલે પોલીસે તેમના ઘરની બહાર નોટિસ ચિપકાવી હતી. જોકે ગઈ કાલે મુંબઈ બ્યુરો ઑફ ઇમિગ્રેશને કન્ફર્મ કર્યું હતું કે બન્નેએ રવિવારે સવારે સાડાપાંચ વાગ્યે ફુકેતની ફ્લાઇટ પકડી લીધી હતી.
હવે ગોવા પોલીસ સૌરભ અને ગૌરવ લુથરાને જલદીથી પકડવા માટે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના ઇન્ટરપોલ ડિવિઝન સાથે મળીને આગળ વધશે.
ADVERTISEMENT
ક્લબ ભડકે બળી ગઈ એમાં ૨૦ સ્ટાફ-મેમ્બરો અને પાંચ ટૂરિસ્ટોએ જીવ ગુમાવ્યો હતો. આ માટે માલિક સૌરભ લુથરાએ સોશ્યલ મીડિયા પર લખીને દુ:ખ જતાવ્યું હતું, ‘ક્લબમાં થયેલી કરુણ ઘટનામાં લોકોએ જીવ ગુમાવવો પડ્યો એ માટે મૅનેજમેન્ટ ખૂબ જ દુ:ખી છે. ટાળી ન શકાય એવા આ દુ:ખની ક્ષણમાં કંપની તરફથી દરેક પ્રકારની મદદ, સપોર્ટ અને સહયોગ કરવામાં આવશે. આ દુ:ખની ઘડીમાં મૅનેજમેન્ટ જીવ ગુમાવનારાઓ અને ઘાયલોના પરિવારો સાથે પૂરી રીતે ઊભું છે.’
ગોવા પોલીસે આ બાબતે તપાસ કરવા માટે ઘણી ટીમો બનાવી છે. ૪ આરોપીઓને રવિવારે જ પકડી લેવામાં આવ્યા હતા. પાંચમા આરોપી ભરત કોહલીને ગઈ કાલે પોલીસે પડક્યો હતો. તે ક્લબનું રોજબરોજનું મૅનેજ્મેન્ટ સંભાળતો હતો. રાજ્ય સરકારે ૩ સિનિયર અધિકારીઓની તપાસ-સમિતિ તૈયાર કરી છે. ક્લબ જ્યાં છે એ અરપોરા-નાગોઆ ગામના પંચાયત-સેક્રેટરી રઘુવીર બાગકરને સસ્પેન્ડ કરી દીધા છે.
પત્નીને બચાવી લીધી, પણ ત્રણ સાળીઓને બચાવવા ગયો ત્યારે ચારેય જણનાં મોત
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના એક પરિવાર માટે ગોવાના ફૅમિલી-વેકેશનનો અંત દુર્ઘટનામાં પરિણમ્યો હતો અને પરિવારે ૪ સભ્યો ગુમાવ્યા હતા. ગાઝિયાબાદનો વિનોદકુમાર તેની પત્ની ભાવના જોશી અને ત્રણ સાળીઓ અનીતા, સરોજ અને કમલા સાથે ૪ ડિસેમ્બરે ગોવા ગયો હતો અને એક હોટેલમાં રોકાયો હતો. શનિવારે રાતે તેઓ આ બર્ચ બાય રોમિયો લેન
નાઇટ-ક્લબમાં ગયાં હતાં અને ૧૫ મિનિટ બાદ ભયંકર આગ લાગી હતી. વિનોદકુમાર તેની પત્ની ભાવનાને મુખ્ય પ્રવેશદ્વારથી બહાર ધકેલી દેવામાં સફળ રહ્યો હતો અને તેનો જીવ બચી ગયો હતો. ત્યાર બાદ વિનોદકુમાર ભાવનાની ત્રણ બહેનો અનીતા, સરોજ અને કમલાને બચાવવા પાછો ક્લબમાં ગયો હતો, પણ વિનોદકુમાર અને ત્રણ સાળીઓ આગમાં મૃત્યુ પામ્યાં હતાં.


