Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > હવે TMCના ૨૦ સંસદસભ્યોએ બળવો કરીને NDAને સમર્થન જાહેર કર્યું

હવે TMCના ૨૦ સંસદસભ્યોએ બળવો કરીને NDAને સમર્થન જાહેર કર્યું

Published : 09 June, 2026 09:08 AM | IST | Kolkata
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કાકોલી ઘોષ દસ્તીદારના નેતૃત્વમાં સ્પીકરને મળીને પત્ર સોંપાયો હોવાનો દાવો

કાકોલી ઘોષ દસ્તીદાર

કાકોલી ઘોષ દસ્તીદાર


પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીની હાર બાદ તૃણમૂલ કૉન્ગ્રેસ (TMC)નાં પ્રમુખ મમતા બૅનરજીની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. પાર્ટીમાં ચાલી રહેલા આંતરિક કલહ વચ્ચે ૬૦ વિધાનસભ્યો બાદ હવે લોકસભાના ૨૦ સંસદસભ્યોએ પણ પોતાનું અલગ જૂથ બનાવી લીધું છે.

લોકસભામાં TMCના ચીફ વ્હિપ કાકોલી ઘોષ દસ્તીદારે દાવો કર્યો છે કે ૨૦ સંસદસભ્યોની સહીવાળો એક પત્ર લોકસભાના સ્પીકર ઓમ બિરલાને મોકલવામાં આવ્યો છે. આ પત્રમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતૃત્વવાળા નૅશનલ ડેમોક્રૅટિક અલાયન્સ (NDA) ગઠબંધનને સમર્થન આપવાની સ્પષ્ટ જાહેરાત કરવામાં આવી છે. કાકોલી ઘોષે જણાવ્યું હતું કે સાથી-સંસદસભ્યો સાથે ઊંડા વિચારવિમર્શ બાદ જ આ નિર્ણય લેવાયો છે. અગાઉ બંગાળમાં TMCના નેતા ઋતબ્રત બૅનરજીએ ૬૦ ધારાસભ્યોના સમર્થન સાથે નવું જૂથ બનાવ્યું હતું જેને વિધાનસભાના અધ્યક્ષે વિપક્ષના નેતા તરીકે સ્વીકારી લીધું છે.



હાલમાં લોકસભામાં TMCના કુલ ૨૮ સંસદસભ્યો છે જેમાંથી ૨૦ બળવો કરી ચૂક્યા છે. જ્યારે રાજ્યસભામાં ૧૨ સંસદસભ્યો છે (સોમવારે જ સંસદસભ્ય સુખેન્દુ શેખર રૉયે રાજીનામું આપતાં આ સંખ્યા ૧૩માંથી ૧૨ થઈ છે). વિધાનસભ્યો અને સંસદસભ્યોના આ ખુલ્લા બળવાને જોતાં એવા સંકેત મળી રહ્યા છે કે મમતા બૅનરજીના હાથમાંથી હવે ધીમે-ધીમે પાર્ટીની કમાન છૂટી રહી છે.


નેપાલ ભાગવાની કોશિશ કરતા તૃણમૂલ કૉન્ગ્રેસના નેતા જહાંગીર ‘પુષ્પા’ ખાનની ધરપકડ


નેપાલ સાથેની સરહદ નજીક પકડાયેલા જહાંગીર ખાનને ગઈ કાલે સાઉથ ૨૪ પરગણા જિલ્લાના ડાયમંડ હાર્બર વિસ્તારમાં લાવવામાં આવ્યો હતો

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી દરમ્યાન ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન (EVM) સાથે ચેડાં સહિતના અનેક કેસમાં વૉન્ટેડ આરોપી જહાંગીર ‘પુષ્પા’ ખાનની ભારતથી ભાગી જવાનો પ્રયાસ કરતી વખતે ધરપકડ કરવામાં આવી હતી. ચૂંટણી વખતે સ્પેશ્યલ ડ્યુટી પર નીમાયેલા ‘સિંઘમ’ તરીકે ઓળખાતા ઉત્તર પ્રદેશના પોલીસ-અધિકારી અજય પાલ શર્માએ તેને પડકારતાં જહાંગીર ખાને કહ્યું હતું, ‘જો વો ‘સિંઘમ’ હૈ તો મૈં ‘પુષ્પા’ હૂં. ઝુકેગા નહીં.’

ગયા મહિને ફાલ્તામાં થયેલા ફેરમતદાન વખતે છેલ્લી ઘડીએ ઉમેદવારી પાછી ખેંચી લેનારા જહાંગીર ખાનને સાઉથ ૨૪ પરગણા મતવિસ્તારમાં EVM પર ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રતીક પર ટેપ લગાવીને EVM સાથે ચેડાં કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. સ્પેશ્યલ ટાસ્ક ફોર્સ (STF)એ નેપાલ સરહદ નજીકથી તેની ધરપકડ કરી હતી.

અનેક અનિયમિતતા અને ફરિયાદને કારણે ચૂંટણીપંચે વિધાનસભા ચૂંટણીનાં પરિણામોના બે દિવસ પહેલાં જ ફાલ્તા વિધાનસભા મતવિસ્તારમાં ફરીથી મતદાનનો આદેશ આપ્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

09 June, 2026 09:08 AM IST | Kolkata | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK