આ કોઈ જ્યોતિષીની ભવિષ્યવાણી નથી પણ અમેરિકાના ભૌતિકશાસ્ત્રીએ વધતી જતી વસ્તીને ધ્યાનમાં રાખીને ૧૯૬૦માં ગણિત અને વિજ્ઞાનના આધારે આપેલી વૉર્નિંગ છે
પ્રતીકાત્મક તસવીર
૧૯૬૦માં એક વૈજ્ઞાનિકે ચોંકાવનારી ભવિષ્યવાણી કરી હતી. અમેરિકાના ભૌતિકશાસ્ત્રી હેન્જ વૉન ફૉર્સ્ટરે કહ્યું હતું કે ૨૦૨૬ની ૧૩ નવેમ્બરે પૃથ્વી પરથી માનવસભ્યતાનો અંત થઈ જઈ શકે છે. આ કોઈ ધાર્મિક કે અંધવિશ્વાસની ભવિષ્યવાણી નહોતી. આ પૂરી વાત ગણિત અને વિજ્ઞાન પર આધારિત હતી. આ અભ્યાસ તેમણે પ્રસિદ્ધ સાયન્સ જર્નલમાં પણ પ્રકાશિત કર્યો હતો.
હેન્જ વૉન ફૉર્સ્ટરે દુનિયાની જનસંખ્યા વધવાની ગણતરી કરીને નોંધ્યું હતું કે માણસોની સંખ્યા ખૂબ જ તેજીથી વધી રહી છે. તેમણે ગણિતની એક ફૉર્મ્યુલા બનાવીને કહ્યું કે જો વસ્તી આટલી જ ગતિથી વધતી રહી તો ૨૦૨૬ની ૧૩ નવેમ્બર સુધીમાં વસ્તી એટલી વધી જશે કે પૃથ્વી એનો ભાર સહન નહીં કરી શકે.
વધતી જતી વસ્તીને કારણે ખોરાક, પાણી, જગ્યા અને કુદરતી સંસાધનો ખતમ થઈ જશે. એને કારણે ભયંકર યુદ્ધ, દુકાળ, બીમારીઓ અને પર્યાવરણની તબાહી થઈ શકે છે. એને કારણે એક દિવસ પ્રલય આવશે. વૈજ્ઞાનિકના કહેવા મુજબ વસ્તીની વૃદ્ધિ ઘાતક ગતિથી વધી રહી છે. પહેલાં ધીમે-ધીમે વસ્તી વધતી હતી; પરંતુ વીસમી સદીમાં દવાઓ, સ્વાસ્થ્યસુવિધાઓ અને ખાદ્ય ઉત્પાદનોને કારણે માનવવસ્તી બહુ ઝડપથી વધી રહી છે. આ જ કારણ બનશે કે પૃથ્વી વધુ માણસોનો ભાર સહન નહીં કરી શકે અને પ્રલય આવશે.
