સંભાજી ભિડે સામે તો પોલીસ યોગ્ય કાર્યવાહી કરશે, પણ વીર સાવરકર વિશેના રાહુલ ગાંધીના નિવેદનનું શું?
ફાઇલ તસવીર
કોઈ પણ વ્યક્તિ મહાત્મા ગાંધીનું અપમાન કરે એ નહીં ચલાવી લેવાય; સંભાજી ભિડે સામે પોલીસે એફઆઇઆર નોંધ્યો છે એટલે યોગ્ય કાર્યવાહી કરશે, પણ કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધી અવારનવાર વીર સાવરકરનું અપમાન કરે છે એનું શું? એવો સવાલ ગઈ કાલે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કૉન્ગ્રેસને કર્યો હતો. સંભાજી ભિડે સામે અમરાવતીના રાજાપેઠ પોલીસ સ્ટેશનમાં મહાત્મા ગાંધીનું અપમાન કરવા બદલ ફરિયાદ નોંધાઈ હતી.
નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે નાગપુરમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘મહાત્મા ગાંધી ભારતની સ્વતંત્રતા ચળવળના મહાનાયક હોવાની સાથે આપણા દેશના રાષ્ટ્રપિતા છે. આથી તેમના વિશે સંભાજી ભિડેએ કરેલું નિવેદન સ્વીકારવાયોગ્ય નથી એટલે એને હું વખોડું છું. હું સંભાજી ભિડે કે બીજું કોઈ મહાપુરુષોનું અપમાન કરીને લોકોમાં આક્રોશ પેદા કરે એવું નિવેદન કરે એને ચલાવી નહીં લેવાય. સંભાજી ભિડે પોતાનું સ્વતંત્ર સંગઠન ચલાવે છે એટલે આ વાતને વિરોધીઓ રાજકીય રંગ આપવાની કોશિશ ન કરે.’
ADVERTISEMENT
કૉન્ગ્રેસના ડબલ સ્ટાન્ડર્ડ વિશે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે તેમને સંભાજી ભિડેનું નિવેદન બરાબર નથી લાગી રહ્યું તો પ્રખર હિન્દુત્વવાદી વિચારક વિનાયક દામોદર સાવરકર વિશે રાહુલ ગાંધી અવારનવાર નિવેદન કરે છે ત્યારે તેમને રોકવાનો પ્રયાસ કેમ નથી કરાતો?
સૌંદર્ય જોઈને પ્રિયંકા ચતુર્વેદીને સાંસદ બનાવાયાં?
એકનાથ શિંદે જૂથના વિધાનસભ્ય સંજય શિરસાટે ગઈ કાલે આદિત્ય ઠાકરે પર ગંભીર આરોપ મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે એક સમયે ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા ચંદ્રકાંત ખૈરેએ કહ્યું હતું કે કૉન્ગ્રેસમાંથી આવેલાં પ્રિયંકા ચતુર્વેદીની સુંદરતા જોઈને આદિત્ય ઠાકરેએ તેમને રાજ્યસભાનાં સાંસદ બનાવ્યાં છે. ઉદ્ધવ ઠાકરે જૂથના ઉત્તર ભારતીયોના કાર્યક્રમમાં પ્રિયંકા ચતુર્વેદીએ એકનાથ શિંદે જૂથને નિશાન બનાવતાં કહ્યું હતું કે ગદ્દારોને માફી નહીં મળે. સંજય શિરસાટે ગઈ કાલે તેમને જવાબ આપતાં કહ્યું હતું કે જેઓ ખુદ કૉન્ગ્રેસમાં ગદ્દારી કરીને શિવસેનામાં આવ્યા છે તેઓ અમને ગદ્દાર કહે છે. ચંદ્રકાંત ખૈરેએ કહ્યું હતું કે પ્રિયંકા ચતુર્વેદીની સુંદરતા જોઈને આદિત્ય ઠાકરેએ તેમને રાજ્યસભાનાં સભ્ય બનાવ્યાં છે.
વિનોદ તાવડે અને પંકજા મુંડેની એન્ટ્રી શું કામ?
બીજેપી દ્વારા શનિવારે રાષ્ટ્રીય કારોબારીની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં ફરી એક વખત વિનોદ તાવડે અને પંકજા મુંડેને સ્થાન આપવામાં આવ્યું હતું. રાજ્યમાં દેવેન્દ્ર ફડણવીસ બીજેપીના અત્યારે સૌથી મોટા નેતા છે, પણ તેમની કામ કરવાની સ્ટાઇલથી રાજ્યમાં અસંતોષ હોવાનું કહેવાય છે. તેમના પર નિયંત્રણ રાખવા માટે આ નિયુક્તિ કરવામાં આવી હોવાની ચર્ચા છે. કારોબારીમાં વિનોદ તાવડે અને પંકજા મુંડે ઉપરાંત મરાઠવાડાનાં વિજયા રહાટકરને કાયમ રાખવામાં આવ્યાં છે.
પૃથ્વીરાજ ચવાણને ધમકી અપાઈ
રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા પૃથ્વીરાજ ચવાણને ગઈ કાલે ઈ-મેઇલ અને ફોનથી ધમકી આપવામાં આવી હતી. ધમકી મળ્યા બાદ પૃથ્વીરાજ ચવાણના કરાડ ખાતેના નિવાસસ્થાન ખાતે પોલીસ-બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે અને કરાડ પોલીસે અજાણ્યા આરોપી સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. સંભાજી ભિડેએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું અપમાન કર્યું હોવાથી તેમની સામે કાર્યવાહી કરવાની માગણી પૃથ્વીરાજ ચવાણે વિધાનસભામાં કરી હતી. તેમની આ માગણીને ધમકી સાથે જોડીને પોલીસે તપાસ હાથ ધરી છે.
પૂર વિશે દીપક કેસરકરનો ગજબ તર્ક
રાજ્યના સ્કૂલ શિક્ષણ પ્રધાન દીપક કેસરકર શિર્ડીની મુલાકાતે ગયા હતા બાદમાં તેઓ નાશિક પહોંચ્યા હતા. નાશિકમાં તેમણે શિક્ષણ વિભાગની બેઠક બોલાવી હતી. અહીં પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કોલ્હાપુરના પૂર બાબતે ગજબ તર્ક વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘તમે આને અંધશ્રદ્ધા કહો, શ્રદ્ધા કહો અથવા કંઈ પણ કહો પૂરની પરિસ્થિતિ હતી ત્યારે હું યોગાનુયોગ શિર્ડીમાં હતો. કોલ્હાપુરના રાધાનગરી ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું. પાણીનું લેવલ પાંચ ફીટ વધ્યું. જોકે એ સમયે એક પણ ફીટ પાણીની સપાટી નહોતી વધી એ હકીકત છે. ઈશ્વરને હું પ્રાર્થના કરતો હતો. આથી આવું થયું હતું. ડેમના સ્થળે તપાસ કરી તો પાંચ-છ ફીટ પાણીની સપાટી વધવાથી અનેક ગામ પાણીમાં ગયા હતા. કુદરતમાં પણ દેવ છે.’
દીપક કેસરકરની તર્ક બાબતે ગઈ કાલે નાશિક પહોંચેલા છગન ભુબજળને પત્રકારોએ આ વિશે સવાલ કરતા તેમણે પહેલા હાથ જોડ્યા હતા અને બાદમાં કહ્યું હતું કે ‘તમે અહીં આવશો તો આનંદ થશે. તમે પણ ઈશ્વરને પ્રાર્થના કરો અને અમારી બાજુના ડેમ પણ વહેલી તકે પાણીથી ભરી દો. અમારા બધા ડેમમાં પાણીની સપાટી પચાસ ટકાથી ઓછી છે.’
દીપક કેસરકરના દાવા પર સરકારના જ બીજા પ્રધાન છગન ભુજબળે આવી રીતે પ્રતિક્રિયા આપતા ચર્ચાનો વિષય બન્યો હતો.


