છેલ્લાં ૮ વર્ષમાં માણસ પર હુમલો કરીને તેનું મૃત્યુ નિપજાવવાની પહેલી ઘટના
પ્રાણીની હિલચાલ પર નજર રાખવા માટે કૅમેરા-ટ્રૅપ્સ લગાવવામાં આવી રહ્યા છે અને દીપડાને પકડવા માટે એક પાંજરું ગોઠવવામાં આવ્યું છે.
પાલઘરમાં નવલી વનક્ષેત્રમાં એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો, જેનું મૃત્યુ દીપડા દ્વારા કરવામાં આવેલા હુમલાને કારણે થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. આરે કૉલોની, બોરીવલીનો નૅશનલ પાર્ક વગેરે વિસ્તારોમાં દીપડા દ્વારા પાળેલાં પ્રાણીઓ તથા ઢોરો પર હુમલો કરીને એમને ખોરાક બનાવવામાં આવતાં હોવાની ઘટનાઓ સામે આવી છે, પરંતુ આ વિસ્તારમાં છેલ્લાં ૮ વર્ષમાં દીપડાએ મનુષ્ય પર હુમલો કરીને તેનું મોત નિપજાવ્યું હોય એવી આ પહેલી ઘટના સામે આવી છે.
મરનાર મહિલાની ઓળખ બાવન વર્ષની પાંગલી કોલ્હા તરીકે થઈ હતી જે નવલી વનક્ષેત્ર નજીક ભોગલેપાડાની રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. ૯ ઑક્ટોબરે તે વનક્ષેત્રમાં ગઈ ત્યારે દીપડાએ તેના પર હુમલો કર્યો હોવાનું માનવામાં આવે છે.
આ ઘટના બાદ વનવિભાગ પણ સક્રિય થઈ ગયો છે અને મહિલા પર હુમલો કરીને તેને ફાડી ખાનારા દીપડાને પકડવા માટે ટ્રૅપ મૂકવા સહિતનો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. ૧૧ ઑક્ટોબરે પોસ્ટમૉર્ટમના રિપોર્ટ બાદ ફૉરેસ્ટ અધિકારીઓએ આ ઘટના જંગલી પ્રાણીએ કરેલા હુમલાને કારણે બની હોવાની વાત પર મહોર મારી હતી. જોકે આ ઘટના બાદ સ્થાનિક ઉપરાંત વનવિભાગના અધિકારીઓ પણ વિમાસણમાં છે. છેલ્લાં અનેક વર્ષોથી આ વિસ્તારમાં દીપડા જેવાં જંગલી પ્રાણીઓએ મનુષ્ય પર હુમલો કરવાની ઘટના બની જ નથી એટલે આ ઘટનાને કારણે બધાના કાન સરવા થઈ ગયા છે અને હવે વધુ ચોકસાઈ રાખવામાં આવી રહી છે.
