Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પવાર પરિવારના ગઢ બારામતીમાં હવે અંદરોઅંદર લડાઈ

પવાર પરિવારના ગઢ બારામતીમાં હવે અંદરોઅંદર લડાઈ

31 March, 2024 07:18 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સુપ્રિયા સુળેનું નામ જાહેર થયું એના દોઢ કલાકમાં સુનેત્રા પવારનું પણ થયું

સુપ્રિયા સુળે, સુનેત્રા પવાર

સુપ્રિયા સુળે, સુનેત્રા પવાર


બારામતીમાં ૩૩ વર્ષથી શરદ પવારનું એકચક્રી શાસન : સુપ્રિયા સુળે ચોથી વખત મેદાનમાં

નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના સ્થાપક-પ્રમુખ શરદ પવાર અને તેમના ભત્રીજા તેમ જ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર જૂથે ગઈ કાલે બરામતી લોકસભા બેઠકના ઉમેદવાર જાહેર કર્યા હતા. શરદ પવારે તેમનાં પુત્રી સુપ્રિયા સુળેને ચોથી વખત ઉમેદવારી આપી છે તો નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે તેમનાં પત્ની સુનેત્રા પવારને પહેલી વખત ચૂંટણીના મેદાનમાં ઉતાર્યાં છે. બારામતીમાં નણંદ-ભાભી વચ્ચે જંગ જામશે એવી ચર્ચા ઘણા સમયથી હતી જે ગઈ કાલે હકીકતમાં પરિણમી હતી. આ બેઠક હવે લોકસભાની આ ચૂંટણીની સૌથી હૉટ બેઠક બની ગઈ છે. ગઈ કાલે સુપ્રિયા સુળેનું નામ જાહેર કરવામાં આવ્યું એના દોઢ કલાક પછી તેમનાં હરીફ તરીકે સુનેત્રા પવારનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. આ બેઠક પર ખુદ શરદ પવાર ૬ વખત, સુપ્રિયા સુળે ૩ વખત અને અજિત પવાર એક વખત NCPના સંસદસભ્ય બન્યાં છે.બારામતી લોકસભા બેઠક શરદ પવાર પરિવારનો ગઢ છે. ૨૦૧૪થી શરદ પવારને તેમના ગઢમાં જ ઘેરવાનો પ્રયાસ ભારતીય જનતા પાર્ટી (BJP) કરી રહી છે. ગઈ ચૂંટણીમાં માત્ર ૧૧.૯૪ ટકાના અંતરથી સુપ્રિયા સુળે BJPનાં કંચન કુલને હરાવવામાં સફળ રહ્યાં હતાં. આથી બારામતીમાં ૧૯૯૧થી શરદ પવારનું એકચક્રી શાસન હતું એ કાયમ રહ્યું છે. પહેલી જ વખત શરદ પવારને તેમના ગઢમાં બીજા કોઈ નહીં પણ તેમના ભત્રીજાએ પડકાર્યા છે. તેમની સાથે BJP અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની શિવસેના પણ છે એટલે આ વખતની ચૂંટણીનો જંગ ખૂબ જ રોમાંચક બનવાની શક્યતા છે.


કોણ છે સુનેત્રા પવાર?
શરદ પવારનાં પુત્રી સુપ્રિયા સુળેને બારામતીની લોકસભા બેઠકમાં પડકાર ફેંકનારાં ૬૦ વર્ષનાં સુનેત્રા પવાર રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને શરદ પવારના ભત્રીજા અજિત પવારનાં પત્ની છે. તેઓ રાજ્યના એક મોટા રાજકીય પરિવારમાંથી આવે છે. તેમના ભાઈ પદમસિંહ પાટીલ રાજ્યના ભૂતપૂર્વ પ્રધાન છે, જ્યારે તેમના ભત્રીજા જગજિતસિંહ પદમસિંહ પાટીલ BJPના ધારાશિવ મતદાર સંઘના વિધાનસભ્ય છે. સુનેત્રા પવાર અત્યાર સુધી રાજકારણથી દૂર રહ્યાં હતાં, પરંતુ સમાજસેવામાં તેઓ લાંબા સમયથી સક્રિય છે. ૨૦૧૦માં તેમણે એન્વાયર્નમેન્ટલ ફોરમ ઑફ ઇન્ડિયા (EFI)ની સ્થાપના કરી હતી. તેમણે ભારતમાં ઇકો-વિલેજના વિચારને ડેવલપ કરવામાં માર્ગદર્શન કર્યું છે. સ્વદેશી અને જાણીતી શૈક્ષણિક સંસ્થા વિદ્યા પ્રતિષ્ઠાનનાં તેઓ ટ્રસ્ટી છે. આ સિવાય પરિવારના પતપેઢી અને મહિલાઓના ઉત્થાન માટેના કામમાં તેઓ સક્રિય છે.

સુપ્રિયા સુળે ત્રણ ટર્મથી સંસદસભ્ય
બારામતી લોકસભા બેઠક ૧૯૯૧થી પરિવાર પાસે છે. ૧૯૯૧માં અજિત પવાર ‍અને એ જ વર્ષે યોજાયેલી લોકસભાની પેટાચૂંટણીમાં શરદ પવાર અહીંથી સંસદસભ્ય બન્યા હતા. સુપ્રિયા સુળે ૨૦૦૯, ૨૦૧૪ અને ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં સતત ત્રણ વખત ચૂંટાઈ આવ્યાં છે. ૨૦૦૯માં તેમણે BJPનાં ઉમેદવાર કાંતા નલાવડેને ૪૫.૫૭ ટકા એટલે કે ૩,૩૬,૮૩૧ મતના માર્જિનથી હરાવ્યાં હતાં. ૨૦૧૪ની ચૂંટણીમાં આ બેઠકમાં સુપ્રિયા સુળેએ રાષ્ટ્રીય સમાજ પક્ષના મહાદેવ જાનકરને ૬.૫૨ ટકા એટલે કે ૬૯,૭૧૯ મતના માર્જિનથી હરાવ્યા હતા. એ વખતે BJPએ અહીંથી કોઈ ઉમેદવાર નહોતો ઊભો રાખ્યો. ૨૦૧૯માં અહીં સુપ્રિયા સુળે અને BJPનાં કંચન કુલ સામે ફરી ચૂંટણીનો જંગ થયો હતો, જેમાં ફરી સુપ્રિયા સુળે ૧૧.૯૪ ટકા અને ૧,૫૫,૨૩૪ મતના માર્જિનથી વિજયી થયાં હતાં.


બારામતી લોકસભા બેઠકનો ઇતિહાસ
૧૯૮૪માં આ લોકસભા બેઠકમાંથી શરદ પવાર પહેલી વખત કૉન્ગ્રેસના સંસદસભ્ય બન્યા હતા. ૧૯૮૫માં શરદ પવાર મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બનતાં લોકસભાની આ બેઠક ખાલી થતાં અહીં એ જ વર્ષે પેટાચૂંટણી યોજાઈ હતી જેમાં જનતા પાર્ટીના સંભાજીરાવ કાકાડે વિજયી થયા હતા. ૧૯૮૯માં કૉન્ગ્રેસના શંકરરાવ પાટીલ અને એ પછી ૧૯૯૧થી બારામતી પવાર પરિવારનો ગઢ બની ગયો.

Whatsapp-channel Whatsapp-channel

31 March, 2024 07:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK