આદિત્યએ દસમી ફેબ્રુઆરીએ પાઠવેલા પત્રમાં જણાવ્યું હતું કે...

ફાઇલ તસવીર
રાજ્યના ભૂતપૂર્વ પ્રધાન આદિત્ય ઠાકરેએ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (બીએમસી) દ્વારા હાથ ધરાયેલાં કાર્યો વિશેનો વધુ એક પત્ર સુધરાઈ કમિશનર ઇકબાલ સિંહ ચહલને પાઠવ્યો છે. આ વખતે તેમણે કૉર્પોરેશન રોડ વર્ક્સ માટેના મોબિલાઇઝેશન ઍડ્વાન્સ પેટે કૉન્ટ્રૅક્ટરને અત્યારે ૬૫૦ કરોડ ન ચૂકવે એવી માગણી કરી છે, કારણ કે કામ છેક ઑક્ટોબરમાં શરૂ થવાનું છે.
આદિત્યએ દસમી ફેબ્રુઆરીએ પાઠવેલા પત્રમાં જણાવ્યું હતું કે ‘જો રોડનું કામ ઑક્ટોબર ૨૦૨૩માં શરૂ થાય અને સુધરાઈ અત્યારે મોબિલાઇઝેશન ઍડ્વાન્સ ચૂકવી દેશે તો સુધરાઈને ૬૫૦ કરોડ રૂપિયાનો ફટકો પડશે. આ રકમનું વ્યાજ (દર મહિને) ૩.૫ કરોડ રૂપિયા છે. આમ, ઑક્ટોબર સુધીમાં ૩૦ કરોડ રૂપિયા ગુમાવવા પડશે.’
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે જ્યાં સુધી કામગીરી શરૂ ન થાય ત્યાં સુધી કૉર્પોરેશને કૉન્ટ્રૅક્ટરને કુલ પ્રોજેક્ટ ખર્ચના ૧૦ ટકા રકમ પણ ચૂકવવી ન જોઈએ.
વધુમાં તેમણે લખ્યું હતું, ‘તમામ રસ્તા શહેરના જ હોવાથી સિમેન્ટ-કૉન્ક્રીટના રોડનું નિર્માણ એ ગ્રીનફીલ્ડ પ્રોજેક્ટ નથી. આ સ્થિતિમાં ૧૦ ટકા મોબિલાઇઝેશન ઍડ્વાન્સની શું જરૂર છે, એ સમજાતું નથી.’ આ સાથે તેમણે પ્રોજેક્ટની હાલની સ્થિતિ વિશે પણ માહિતી માગી હતી.
કૉર્પોરેશને ૬૦૮૦ કરોડ રૂપિયાનો રોડ રિપેર પ્રોજેક્ટ હાથ ધરવાનું નક્કી કર્યું, એ સમયે આદિત્ય ઠાકરેએ કૉર્પોરેશનના વડાને પત્ર પાઠવીને કૉન્ટ્રૅક્ટરની નિમણૂકમાં કૌભાંડ થયાનો આક્ષેપ કર્યો હતો. તેમણે આઇ. એસ. ચહલને આ બીજો પત્ર પાઠવ્યો છે.