વેસ્ટર્ન રેલવેની ટ્રિપલ લેયર બૅકઅપ સિસ્ટમ ફેલ નીવડી, ટ્રેનો અટવાઈ, હેડક્વૉર્ટરમાં અડધા કલાક માટે ઇલેક્ટ્રિસિટી ગાયબ
ચર્ચગેટ સ્ટેશન
વેસ્ટર્ન રેલવેની ટ્રિપલ લેયર બૅકઅપ સિસ્ટમ ગઈ કાલે સવારે ખોટકાઈ હતી. એને કારણે ચર્ચગેટ અને ગ્રાન્ટ રોડ વચ્ચે અડધા કલાક માટે બધી જ ટ્રેનો થોભી ગઈ હતી. બધાં જ સિગ્નલો રેડ થઈ ગયાં હતાં અને પાવર પણ કટ થઈ ગયો હતો. ચર્ચગેટ પર આવેલું હેડક્વૉર્ટર બિલ્ડિંગ પણ અંધકારમય થઈ ગયું હતું.
મંગળવારે સવારે ૧૦.૨૦ વાગ્યે સર્જાયેલી આ ટેક્નિકલ ખામીને કારણે મુસાફરોને હાલાકી થઈ હતી. વેસ્ટર્ન રેલવેમાં ટ્રિપલ લેયર બૅકઅપ સિસ્ટમ છે જેને કારણે આવી રીતના ફેલ્યરના સમયે ઑટોમૅટિક ચેન્જઓવર મેકૅનિઝમ કાર્યરત થાય છે અને ટ્રેનોનું પરિવહન સરળતાથી થાય છે, પરંતુ ગઈ કાલે આ સિસ્ટમમાં કોઈ ખામી સર્જાતાં ટ્રેનો ખોટકાઈ હતી. ૧૧ વાગ્યાથી ટ્રેનો ધીમે-ધીમે નિયમિત બની હતી એમ વેસ્ટર્ન રેલવેના એક અધિકારીએ જણાવ્યું હતું.
ADVERTISEMENT
સાઉથ મુંબઈને વીજપુરવઠો પૂરો પાડતી કંપનીઓએ તેમના તરફથી કોઈ ફૉલ્ટ સર્જાયો નથી એમ કહ્યું હતું. સિસ્ટમમાં ખામી સર્જાવાનું કારણ શોધવા માટે તપાસ ચાલુ કરવામાં આવી છે.


