સાંકડી ગલીમાં ટ્રાફિક જૅમ થવાથી રહેવાસીઓ પરેશાન: સામાન્ય બોલાચાલીમાંથી શરૂ થયેલો આ વિવાદ સેકન્ડોમાં ઉગ્ર બની ગયો હતો. બન્ને એકબીજા પર તૂટી પડ્યા હતા
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
નાલાસોપારા-ઈસ્ટમાં રસ્તા પર દબાણ કરીને ઊભેલા એક ગેરકાયદે ફેરિયા અને વસઈ-વિરાર મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ (VVMT)ની બસના ડ્રાઇવર વચ્ચે રસ્તો આપવા બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોતજોતામાં આ વિવાદ એટલો વધી ગયો કે બન્ને વચ્ચે રસ્તા પર જ મારામારી શરૂ થઈ ગઈ હતી. એને કારણે આખા રસ્તા પર ટ્રાફિક જૅમ થઈ ગયો હતો.
શુક્રવારે સાંજે તુળીંજની એક સાંકડી ગલીમાંથી VVMTની બસ પસાર થઈ રહી હતી. એ સમયે એક ફેરિયાની લારી આડી આવતાં બસ અટકી ગઈ હતી. રોજ-રોજના ટ્રાફિક જૅમ અને નડતરરૂપ ફેરિયાઓથી કંટાળેલા બસ-ડ્રાઇવરે હૉર્ન વગાડીને રસ્તો માગ્યો હતો, જેના પર ફેરિયાએ ઉદ્ધત વર્તન કરતાં બન્ને વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થયું હતું.
ADVERTISEMENT
સામાન્ય બોલાચાલીમાંથી શરૂ થયેલો આ વિવાદ સેકન્ડોમાં ઉગ્ર બની ગયો હતો. બન્ને એકબીજા પર તૂટી પડ્યા હતા અને રસ્તાની વચ્ચે જ લાતો-મુક્કા વડે મારામારી કરવા લાગ્યા હતા. આ હંગામાને કારણે આસપાસના વિસ્તારમાં વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને થોડા સમય માટે વાહનવ્યવહાર સંપૂર્ણપણે થંભી ગયો હતો. ત્યાં હાજર અન્ય વાહનચાલકો અને રાહદારીઓએ વચ્ચે પડીને મામલો શાંત પાડ્યો હતો. અનેક વાર બનતા આવા બનાવોનો કાયમી ઉકેલ આવે એવી અપીલ રહેવાસીઓએ પોલીસને કરી હતી.
થાણે-માનપાડા રોડ પર મેટ્રો સાઇટ નજીક ટ્રક પલટી ગઈ
થાણે-માનપાડા રોડ પર ચાલી રહેલા મેટ્રો પ્રોજેક્ટની કન્સ્ટ્રક્શન-સાઇટ નજીક એક ટ્રક પલટી મારી ગઈ હોવાની ઘટના સામે આવી છે. ચાલુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કામગીરી વચ્ચે બનેલી આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે સદ્નસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. પ્રાથમિક અંદાજ મુજબ આ ટ્રક મેટ્રો સાઇટ માટે જરૂરી કન્સ્ટ્રક્શન મટીરિયલ લઈને ત્યાં પહોંચ્યો હતો અને એ દરમ્યાન જ આ અકસ્માત સર્જાયો હતો. રસ્તાની બાજુમાં આવેલી સાઇટની જગ્યા પર જ ટ્રક નમી પડી હોવાથી રોડ પરથી પસાર થતાં અન્ય વાહનોને કોઈ નડતર નહોતું થયું અને હાઇવે કે મુખ્ય રસ્તા પર ટ્રાફિક જૅમની કોઈ સમસ્યા નોંધાઈ નહોતી.
