કેન્દ્રીય કૃષિપ્રધાને એ ખેડૂતને ફોન કરીને તેને સધિયારો આપ્યો અને કહ્યું કે ખેડૂતોને નુકસાનનું વળતર ચૂકવવામાં આવશે
શિવરાજ સિંહ ચૌહાણ
મહારાષ્ટ્રનો ગૌરવ પવાર નામનો ખેડૂત માર્કેટમાં ભરેલા મગફળીના પાકને ભારે વરસાદમાં વહી જતો અટકાવવા માટે બે હાથે આડશ ઊભી કરવાનો પ્રયત્ન કરે છે. એમ છતાં વરસાદ અને પવનના જોરે તે પાકને પાણી સાથે વહી જતાં રોકી નથી શકતો. આ ખેડૂતના ચહેરા પર ચિંતા અને મજબૂરી સ્પષ્ટ દેખાય છે. કમોસમી વરસાદને લીધે રાજ્યના ખેડૂતોના પાકને ખૂબ નુકસાન થયું છે. એની ઝલક બતાવતો વાશિમ માર્કેટમાં લેવાયેલો એક વિડિયો ઇન્ટરનેટ પર વાઇરલ થયો છે. કેન્દ્રીય કૃષિપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે આ વિડિયો જોઈને મામલાની ગંભીરતા સમજતાં રાજ્યના ખેડૂતોને વળતર આપવાની જાહેરાત કરી છે.
વિડિયોમાં ખેડૂતની દયનીય સ્થિતિ જોઈને શિવરાજ સિંહ ચૌહાણે તેને ફોન કરીને વળતર આપવાનું આશ્વાસન આપ્યું હતું તેમ જ રાજ્યના તમામ ખેડૂતોને પણ તાત્કાલિક ધોરણે ઍક્શન લઈને મદદ આપવામાં આવશે એમ જણાવ્યું હતું. તેમણે ખેડૂત સાથે થયેલી વાતને સોશ્યલ મીડિયા પર મૂકતાં લખ્યું હતું કે ‘આ વિડિયો જોઈને હું ખરેખર દુ:ખી થઈ ગયો છું; પણ ચિંતા ન કરો, મહારાષ્ટ્ર સરકાર ખેડૂતો માટે સંવેદનશીલ છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે આ વિષય પર ચર્ચા કરવામાં આવી છે. તમને વળતર અને સહાય મળશે. અમે તમારી સાથે છીએ. કોઈ ખેડૂત સહાયથી વંચિત નહીં રહે.’
ADVERTISEMENT
પાકને બચાવવા જતાં ખેડૂત ગૌરવ પવાર બીમાર પડી ગયો હતો. કૃષિપ્રધાનના આ નિર્ણયને પગલે સ્થાનિક સત્તાધીશોએ તાત્કાલિક ધોરણે પાકને થયેલા નુકસાનની વિગતો મેળવીને વળતર આપવાની શરૂઆત કરી દીધી છે.


