આવો દાવો કરતી રીલ વાઇરલ થઈ છે, આવા નાગરિકોને રોકવા માટે પોલીસ અને મંડળ પાસે માગણી કરવામાં આવી
લાલબાગચા રાજાનાં દર્શન માટે વિધાનસભ્ય અને સંસદસભ્યના લેટરની રીલ વાઇરલ થઈ હતી.
લાલબાગચા રાજાના ગણપતિ પંડાલમાં ભક્તો સાથે થતા અમાનવીય વર્તન અને ભેદભાવ વિશે વિવાદ થયો છે ત્યારે સંસદસભ્ય અને વિધાનસભ્યના લેટરહેડનો ઉપયોગ કરીને VIP લાઇનમાં દર્શન કરતા યુવાનોની રીલ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં ફરતી જોવા મળી છે. આ રીલ સામે આવ્યા બાદ હાઈ કોર્ટના સિનિયર વકીલ પંકજ મિશ્રાએ VIP કૅટેગરીમાં કેવા લોકો અને કોણ આવી શકે એની વિગતવાર માહિતી જાહેર કરવા માટેની અપીલ કરી છે. તેમણે ભક્તો સાથે થતા અન્યાય વિશે મહારાષ્ટ્ર રાજ્ય માનવ અધિકાર આયોગમાં પણ ઔપચારિક ફરિયાદ નોંધાવી છે.
વકીલ પંકજ મિશ્રાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારી ફરિયાદ બાદ મહારાષ્ટ્ર રાજ્ય માનવ અધિકાર આયોગે BMC અને પોલીસ-કમિશનર તેમ જ લાલબાગચા રાજા મંડળને તેમનો જવાબ આપવાનું કહ્યું છે. છેલ્લા ચાર-પાંચ દિવસમાં સોશ્યલ મીડિયા પર એવી કેટલીક રીલ જોવા મળી હતી જેમાં સંસદસભ્ય અને વિધાનસભ્યના લેટરહેડ પર લાલબાગચા રાજા મંડળ અને કાળાચૌકી પોલીસ-સ્ટેશનને પત્ર લખીને આવેલા ૬ નાગરિકોને VIP દર્શન કરાવવા વિશેની વિનંતી કરવામાં આવી હતી જે મુજબ પોલીસ-બંદોબસ્ત વચ્ચે તેમને બાપ્પાનાં દર્શન કરાવવામાં આવ્યાં હતાં. તેમણે ત્યાં ફોટો પણ પાડ્યા હોવાનું રીલમાં જોવા મળ્યું હતું. આ પ્રકારના VIP કલ્ચરને કારણે સામાન્ય લોકોને મોટી પરેશાની વેઠવી પડે છે. VIP લાઇનમાં દર્શન કરવા આવેલા ભક્તો માત્ર ૧૦થી ૧૫ મિનિટમાં બાપ્પાનાં ચરણસ્પર્શ કરીને બહાર નીકળી જાય છે જ્યારે સામાન્ય નાગરિકોને ચરણસ્પર્શ માટે કલાકો લાગે છે. અમારા ધ્યાનમાં એવું પણ આવ્યું છે કે આવા લેટર સામે અમુક લોકો ત્યાં પૈસા લઈને ભક્તોને દર્શન કરાવે છે. આ મામલે પોલીસ અને મંડળને જાણ કરીને તેમને તાત્કાલિક આવી ચીજો અટકાવવા માટેની માગણી મેં કરી છે.’
ADVERTISEMENT
લાલબાગચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળના પ્રમુખ બાળાસાહેબ કાંબળે પાસેથી વધુ વિગતો લેવા માટે ‘મિડ-ડે’ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તેમણે વ્યસ્ત હોવાનું કહીને વાત કરવાનું ટાળ્યું હતું.


