બાથરૂમ જઈને આવું છું એમ કહીને છ મહિનાના બાળકને બીજી મહિલાને સોંપીને નાસી ગઈ મમ્મી
વિરાર રેલવે-સ્ટેશન પર મળી આવેલું બાળક.
વિરાર રેલવે-સ્ટેશનના પ્લૅટફૉર્મ નંબર ૪-એ પર સોમવારે બપોરે એક યુવતી બાથરૂમ જઈને આવું છું એમ કહીને પ્લૅટફૉર્મ પર ઊભેલી એક મહિલાને છ મહિનાના બાળકને સોંપીને નાસી ગઈ હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી. આ મામલે કલાકો સુધી બાળકની માતાની શોધ લેતાં પણ તેનો કોઈ પત્તો ન લાગતાં વસઈ ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)એ બાળકને ત્યજી દેનાર મહિલા સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. GRP બાળકના વાલીને શોધવા માટે રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ની મદદ લઈને વિરાર તેમ જ આસપાસનાં સ્ટેશનોના ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ તપાસ કરી રહી છે.
વસઈ GRPના સિનિયર ઇન્સ્પેક્ટર ભગવાન ડાંગેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોમવાર બપોરે ત્રણ વાગ્યે વિરાર રેલવે-સ્ટેશનના પ્લૅટફૉર્મ નંબર ૪-એ પર ચર્ચગેટ બાજુના પહેલા ડબ્બા નજીક બાવીસથી પચીસ વર્ષની એક યુવતીએ પ્લૅટફૉર્મ પર ટ્રેન પકડવા ઊભેલી એક મહિલા નજીક આવીને બાથરૂમ જવું હોવાનું કહીને બાળકને થોડી વાર પકડવા માટે વિનંતી કરી હતી. એટલે ટ્રેન પકડવા ઊભેલી મહિલાએ યુવતીના હાથમાં રહેલું બાળક પોતાના હાથમાં લઈ લીધું હતું. ૪૦થી ૪૫ મિનિટ વીતી ગયા બાદ પણ બાળક આપી ગયેલી યુવતી પાછી ન ફરતાં સ્ટેશન પરથી પસાર થઈ રહેલી પોલીસની મદદ લેવામાં આવી હતી. ત્યાર બાદ રેલવે-સ્ટેશન પર જાહેરાત કરાવવામાં આવી હતી. ઉપરાંત સ્ટેશનની બહાર અને અંદર પણ યુવતીની શોધ કરવામાં આવી હતી. જોકે બાળક મૂકી ગયેલી મહિનાનો કલાકો સુધી કોઈ પત્તો લાગ્યો નહોતો. અંતે બાળકને ત્યજી દેવામાં આવ્યું હોવાની ખાતરી થતાં અમે તેની માતા સામે ફરિયાદ નોંધી છે.’
ADVERTISEMENT
છ મહિનાના બાળકને પાલઘરની એક સંસ્થાને સોંપવામાં આવ્યું
છ મહિનાના બેબી બૉયને અમારી ટીમે સોમવારે રાતે પાલઘરની એક સંસ્થાને સોંપી દીધું છે એમ જણાવતાં સિનિયર ઇન્સ્પેક્ટર ભગવાન ડાંગેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બાળક અમારા તાબામાં આવ્યા બાદ સતત રડી રહ્યું હતું. અમે તેનું મેડિકલ કરીને તેને પાલઘરની એક બાળકોની સંસ્થાને સોંપ્યું હતું.’


