તપાસ કરી રહેલી વિરાર પોલીસ અને વસઈ-વિરાર સુધરાઈના અધિકારીઓ ગોટે ચડ્યાં ઃ બન્ને એકબીજા પાસેથી માહિતી મેળવીને તપાસ કરી રહ્યાં છે
પંચાવનમાંનું બંધાયેલું વિરાર-ઈસ્ટનું ગેરકાયદે બિલ્ડિંગ ગુરુકૃપા અપાર્ટમેન્ટ (તસવીર : હનીફ પટેલ)
વસઈ-વિરારમાં બે બિલ્ડર અને બે રિયલ એસ્ટેટ એજન્ટ સહિત પાંચ આરોપીઓએ સિડકો કે સ્થાનિક સુધરાઈના બાંધકામ વિભાગમાંથી કોઈ પણ પ્રકારની મંજૂરી વિના પંચાવન જેટલી ગેરકાયદે ઇમારત ઊભી કરી દીધી હોવાનું પોલીસની તપાસમાં જણાયું છે. જોકે પોલીસને હાથ લાગેલાં મંજૂરી મેળવવામાં આવેલાં પંચાવન બિલ્ડિંગમાંથી આરોપીઓએ કેટલાં બનાવ્યાં છે એ પોલીસ કે વસઈ-વિરાર સુધરાઈને હજી સુધી ખબર નથી પડી. બન્ને વિભાગ આરોપીઓ પાસેથી મળી આવેલી બાંધકામની મંજૂરી મેળવી લેવામાં આવેલી ફાઇલની એકબીજા પાસેથી માહિતી મેળવીને તપાસ કરી રહ્યા છે. સામાન્ય રીતે સુધરાઈના બાંધકામ વિભાગ પાસે મંજૂરી આપવામાં આવેલી તમામ બાંધકામની માહિતી હોય છે, પણ આ મામલામાં સુધરાઈના અધિકારી કહે છે કે તેમની પાસે અત્યારે આવી કોઈ માહિતી નથી.
વિરાર પોલીસે કલેક્ટર, સિડકો, રેરા અને સ્થાનિક પ્રશાસનના બોગસ ડૉક્યુમેન્ટ્સ અને સિક્કાની મદદથી વસઈ-વિરાર વિસ્તારમાં પંચાવન ઇમારતોનાં બાંધકામની મંજૂરી મેળવીને સરકારને કરોડો રૂપિયાની મહેસૂલની આવકનું નુકસાન પહોંચાડવાના મામલામાં બે બિલ્ડર અને બે રિયલ એસ્ટેટ સહિત પાંચ આરોપીની તાજેતરમાં ધરપકડ કરી હતી. આરોપીઓ દ્વારા બાંધવામાં આવેલી આવી ઇમારતોમાં સામાન્ય લોકોએ ૧૫થી ૨૦ લાખ રૂપિયામાં ફ્લૅટ ખરીદ્યા છે. હવે પોલીસ અને સુધરાઈ દ્વારા આ લોકો પાસેથી રજિસ્ટ્રેશનના ડૉક્યુમેન્ટ્સ માગવામાં આવી રહ્યા છે એટલે આવા લોકોની મુશ્કેલી વધી છે.
ADVERTISEMENT
વસઈ-વિરાર શહેર મહાનગરપાલિકાના સસ્પેન્ડ કરવામાં આવેલા અસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર ગણેશ પાટીલે આ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં વિરાર પોલીસ સ્ટેશનમાં વિરાર (ઈસ્ટ)માં આવેલા ચંદનસાર વિસ્તારની રુદ્રાંશ ‘એ’ અને ‘બી’ નામની ઇમારત કોઈ પણ પ્રકારની બાંધકામની પરવાનગી વિના બાંધવામાં આવી હોવાની ફરિયાદ નોંધાવી હતી. વિરાર પોલીસે છ મહિના સુધી આ મામલે તપાસ કરીને દિલીપ બેનવંશી, મચ્છીંદ્ર વનમાને, દિલીપ અડખળે, પ્રશાંત પાટીલ અને રામેશ નાઈક નામના પાંચ આરોપીની ધરપકડ કરીને તેમની પાસેથી પંચાવન બિલ્ડિંગ બાંધવાની મંજૂરી લેવામાં આવી હોવાની ફાઇલ જપ્ત કરી છે.
પંચાવનમાંથી કેટલાં બાંધકામ કરાયાં?
વિરાર પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર કાંબળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપીઓ પાસેથી હાથ લાગેલી બાંધકામની મંજૂરી મેળવવામાં આવી હોવાની પંચાવન ફાઇલની તપાસમાં મોટા ભાગની ઇમારતો સિડકોના સમયમાં બાંધવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે. જોકે આ ફાઇલોમાં સર્વે-નંબર કે ઓસી-સીસીની માહિતી અધૂરી છે એટલે આરોપીઓએ આમાંથી કેટલાં બિલ્ડિંગોનાં બાંધકામ કર્યાં છે એ કહેવું મુશ્કેલ છે. અમે સિડકો ઉપરાંત વસઈ-વિરાર મહાનગરપાલિકાના બાંધકામ સંબંધી તમામ વિભાગને આ સંબંધે પત્ર લખીને માહિતી માગી છે. માહિતી મળ્યા બાદ જ ખ્યાલ આવશે કે કેટલી ગેરકાયદે ઇમારતો બાંધવામાં આવી છે અને એમાં કેટલા લોકો અત્યારે રહે છે.’
પોલીસની મદદ માગી
વસઈ-વિરાર મહાનગરપાલિકાના અસિસ્ટન્ટ કમિશનર અજય ચૌકેકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ત્રણ દિવસ પહેલાં જ પોલીસે ગેરકાયદે ઇમારતો બાંધવાનું કૌભાંડ પકડ્યું છે. પોલીસના હાથમાં આરોપીઓએ બોગસ મંજૂરી મેળવી હોવાની પંચાવન ફાઇલ આવી છે. આ ફાઇલની માહિતી અમે પોલીસ પાસેથી મેળવી રહ્યા છીએ. સિડકો કે સ્થાનિક સુધરાઈના બાંધકામ વિભાગના બોગસ ડૉક્યુમેન્ટ્સને આધારે કેટલી ઇમારત બાંધવામાં આવી છે એની માહિતી પોલીસની મદદથી જ મળી શકશે. એ પછી જ ખ્યાલ આવશે કે મંજૂરી ક્યારે લેવામાં આવી હતી અને અત્યારે એ મંજૂરીઓનું સ્ટેટસ શું છે. વિરારના ચંદનસારમાં આરોપીઓએ બાંધેલી રુદ્રાંશ ‘એ’ અને ‘બી’ વિંગમાં ૪૦ ફ્લૅટ લોકોએ ખરીદ્યા છે. એવી રીતે આવી કોઈ ઇમારત બંધાઈ હોય તો એમાં કેટલા લોકો રહે છે એ અત્યારે કહેવું મુશ્કેલ છે.’
વસઈ-વિરાર ક્ષેત્ર ગેરકાયદે બાંધકામ માટે બદનામ છે. દર વર્ષે અહીં મોટા પ્રમાણમાં ગેરકાયદે બાંધકામ કરવામાં આવતાં હોવાના મામલા સામે આવતા હોવા છતાં સ્થાનિક પ્રશાસન દ્વારા એના પર ધ્યાન નથી આપવામાં આવતું એવો આરોપ છે. આ જ કારણસર વિરાર પોલીસે પકડેલા પાંચ આરોપીઓ કોઈનો પણ ડર રાખ્યા વિના એક-બે નહીં, પંચવાન જેટલી ઇમારતો બાંધવા માટેની મંજૂરી મેળવવાનું પરાક્રમ કરી શક્યા છે એવો નિષ્ણાતોનો મત છે.

