ઠાકરે બંધુઓ ભેગા મળીને ચૂંટણી લડશે એવો ઇશારો સંજય રાઉતે કર્યો, પરંતુ...
ઉદ્ધવ ઠાકરે
કૉર્પોરેશનની ચૂંટણી માટે ઠાકરે બંધુઓ એક થશે કે કેમ એ વાત પર છેલ્લા થોડા મહિનાઓથી અનેક અટકળો ચાલી રહી છે ત્યારે શિવસેના (UBT)ના નેતા અને સંસદસભ્ય સંજય રાઉતે નવો મમરો મૂકતાં કહ્યું હતું કે શિવસેના-UBT અને MNS (મહારાષ્ટ્ર નવનિર્માણ સેના) ચોક્કસપણે સાથે મળીને કૉર્પોરેશનની ચૂંટણી લડશે. જોકે સંજય રાઉતે એમ પણ સ્પષ્ટતા કરી હતી કે ઠાકરે બંધુઓ ભેગા મળીને આ મુદ્દે ચર્ચા કરશે એ પછી અંતિમ નિર્ણય લેવાશે.
બીજી બાજુ ઉદ્ધવ ઠાકરેએ તેમના કાર્યકરોને ચોખ્ખું જણાવી દીધું છે કે MNS સાથે મળીને ચૂંટણી લડવી કે નહીં એ અંગે પાર્ટી નિર્ણય લેશે, તમે દરેક બેઠક પર ચૂંટણી લડવાની તૈયારી ચાલુ કરો. જ્યાં શાખાપ્રમુખ ન હોય ત્યાં નિમણૂક કરવાનો આદેશ પણ તેમણે આપ્યો હતો. અગાઉ ઉદ્ધવ ઠાકરેના જન્મદિવસે કે શિવસેનાના સ્થાપનાદિને બન્ને પક્ષ ભેગા થાય એવી અટકળો હતી. હવે ૧૫ ઑગસ્ટ સુધી યુતિની જાહેરાત થાય એવું પણ રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.


