નાંદણી મઠમાં મહાદેવી માધુરીને પાછી લાવવા માટે સુપ્રીમ કોર્ટમાં દાખલ થનારી રિવ્યુ પિટિશનમાં રાજ્ય સરકાર પણ પક્ષકાર રહેશે એવી દેવેન્દ્ર ફડણવીસની જાહેરાત
મહાદેવી માધુરી
કોલ્હાપુર જિલ્લાના શિરોલ તાલુકામાં આવેલા નાંદણી મઠની હાથણી મહાદેવી માધુરીને જામનગરના વન્યજીવ કેન્દ્ર વનતારામાંથી પાછી લાવવા માટે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે હાઈ લેવલની એક બેઠક યોજી હતી. એમાં હાથણી માધુરીને પાછી લાવવા માટે રાજ્ય સરકાર બનતા બધા જ પ્રયત્નો કરશે એવી ખાતરી તેમણે આપી હતી.
બેઠક બાદ મુખ્ય પ્રધાને જાહેરાત કરી હતી કે નાંદણી મઠમાં મહાદેવી માધુરીને પાછી લાવવા માટે મઠ સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટિશન દાખલ કરે ત્યારે રાજ્ય સરકારને એક પક્ષકાર તરીકે ઉમેરવાની નાંદણી મઠને અપીલ કરી છે. વનવિભાગ પણ સુપ્રીમ કોર્ટ સમક્ષ સ્વતંત્ર અને વિગતવાર માહિતી આપીને પોતાનો પક્ષ રજૂ કરશે. રાજ્ય સરકાર હાથીઓના વેલ્ફેર માટે એક ટીમની રચના કરશે જેમાં પશુઓના નિષ્ણાતોનો સમાવેશ કરવામાં આવશે.
ADVERTISEMENT
મુખ્ય પ્રધાને ઉમેર્યું હતું કે ‘જો જરૂર પડશે તો મઠમાં હાથણીની દેખરેખ માટે સુવિધાઓ વધારવામાં આવશે. લોકલાગણીને માન આપીને સુપ્રીમ કોર્ટને આ મામલે અલાયદી કમિટી રચીને તમામ મુદ્દા ચકાસવાની અપીલ કરવામાં આવશે.’
હાથણીને જામનગર મોકલવાના અદાલતના નિર્ણયના વિરોધમાં અનેક મોરચા કાઢવામાં આવ્યા હતા એમાં અમુક લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યા છે એને પણ પાછા ખેંચવામાં આવશે એમ દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું.


