રાજ ઠાકરેના ઘરે ગયા ઉદ્ધવ ઠાકરે, અઢી કલાક બંધબારણે ચાલી ચર્ચા
રાજ ઠાકરે, ઉદ્ધવ ઠાકરે
લાંબા સમયથી ચાલતી અટકળો બાદ શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT) અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) વચ્ચે યુતિ થવાની દિશામાં ગઈ કાલે એક મહત્ત્વનું પગલું મંડાયું હતું. બુધવારે MNSના અધ્યક્ષ રાજ ઠાકરેના ઘર શિવતીર્થમાં શિવસેના (UBT)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે વચ્ચે અઢી કલાક સુધી અગત્યની બેઠક યોજાઈ હતી. આ બેઠક પછી શિવસેનાના વરિષ્ઠ નેતાઓએ ઠાકરે બંધુઓ વચ્ચે યુતિ નક્કી છે એવી પ્રતિક્રિયા આપી હતી. આખરે બે દાયકા બાદ શિવાજી પાર્કમાં દશેરાની રૅલીમાં બન્ને ભાઈઓ સાથે આવીને યુતિની જાહેરાત કરે એવી પ્રબળ સંભાવના રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહી છે.
બેઠકમાં શિવસેના (UBT)ના નેતા સંજય રાઉત પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જોકે આ મુલાકાત પારિવારિક કારણસર યોજાઈ હોવાનું જણાવ્યું હતું. સંજય રાઉતે કહ્યું હતું કે ‘રાજ ઠાકરેનાં મમ્મીએ ઉદ્ધવ ઠાકરેને મળવા બોલાવ્યા હતા. ગણેશોત્સવમાં વધારે સમય સાથે વિતાવી નહોતા શક્યા એટલે તેઓ રાજ ઠાકરેનાં મમ્મીને મળવા ગયા હતા.’
ADVERTISEMENT
રાજ અને ઉદ્ધવ ઠાકરેએ બેઠક બાદ પ્રતિક્રયા આપવાનું ટાળ્યું હતું, પણ MNSના નેતા અવિનાશ જાધવે કહ્યું હતું કે ‘મહારાષ્ટ્રને ખબર છે કે ઠાકરે ભાઈઓ એક થશે તો શું થશે. આ તરફ આગળ વધવા માટે પગલું મંડાઈ ગયું છે.’
BMCમાં ૨૨૭ બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ ઉપરાંત રાજ્યભરની સ્થાનિક સ્વરાજ સંસ્થાઓ માટે ટૂંક સમયમાં જ ચૂંટણી યોજાશે. મુંબઈ ઉપરાંત થાણે, કલ્યાણ-ડોમ્બિવલી અને નાશિકમાં પણ ઉદ્ધવ અને રાજ ઠાકરે સાથે મળીને ચૂંટણી લડે એવી શક્યતા છે.
રાજ અને ઉદ્ધવ ઠાકરેની વોટબૅન્ક એક જ છે તેથી બેઠકોની ફાળવણી, કાર્યકર્તાઓને કામની વહેંચણી, નેતૃત્વ અને ચૂંટણીપ્રચાર બાબતે બન્ને પક્ષોએ સંમત થવું જરૂરી છે.
ઉદ્ધવ ઠાકરેને મુંબઈ મહાનગરપાલિકામાં પોતાની સત્તા પાછી મેળવવી છે તો BJP અને એના સાથી પક્ષોને પણ BMC હાથમાંથી જવા નથી દેવું. જો રાજ અને ઉદ્ધવ ઠાકરે BMCની ચૂંટણી સાથે મળીને લડે તો રાજને પણ સત્તાનો લહાવો મળે એમ છે.
આજે MNSના કાર્યકરોની બેઠક
બુધવારે યોજાયેલી બેઠક બાદ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની ચૂંટણી માટે બેઠકોની ફાળવણીના મુદ્દે MNS પોતાના કાર્યકરો સાથે આજે બેઠક યોજશે. ઉદ્ધવ અને રાજ ઠાકરેની આ બેઠકના બે દિવસ અગાઉ કૉન્ગ્રેસના નેતાઓએ ઉદ્ધવ ઠાકરેના ઘરે જઈને બેઠક કરી હતી. એમાં મહા વિકાસ આઘાડીમાં MNSનો સમાવેશ કરવો કે નહીં એ અંગે ચર્ચા કરવામાં આવી હતી. રાજ ઠાકરે પણ મહા વિકાસ આઘાડી મુદ્દે આજે ચર્ચા કરશે.
ઉદ્ધવ ઠાકરેને શિવાજી પાર્કમાં દશેરાની રૅલી માટે પરવાનગી મળી
દર વર્ષની જેમ આ વર્ષે પણ શિવસેના-UBT સ્થાપનાદિનની ઉજવણી માટે દાદરના શિવાજી પાર્ક ખાતે દશેરાની રૅલીનું આયોજન કરશે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) તરફથી રૅલી માટેની જરૂરી પરવાનગી આપવામાં આવી છે. જોકે ધ્વનિ-પ્રદૂષણ, સ્વચ્છતા, ભીડ-નિયંત્રણ અને સુરક્ષા માટેના નિયમોનું પાલન કરવાનું રહેશે.
હિન્દી ભાષાના વિરોધમાં એક થયેલા ઠાકરે બંધુઓ ત્યાર બાદ વારંવાર એકબીજાને મળ્યા
હિન્દી ભાષાને ત્રીજી ભાષા તરીકે સ્વીકારવાના વિરોધમાં એક થયેલા ઠાકરે બંધુઓ એક મહિના કરતાં ઓછા સમયમાં ફરી મળ્યા હોવાથી તેમની યુતિ થવાનું પક્ષના કાર્યકરો પણ નક્કી જ માને છે. અગાઉ રાજ ઠાકરે જુલાઈ મહિનામાં ઉદ્ધવ ઠાકરેની વર્ષગાંઠ નિમિત્તે તેમના ઘરે ગયા હતા. ગણેશોત્સવમાં ઉદ્ધવ ઠાકરે સપરિવાર રાજ ઠાકરેના ઘરે દર્શન માટે ગયા હતા અને હવે આ બેઠક. આ બધું જ BMCની ચૂંટણી અગાઉ ચાલતી રાજકીય ઊથલપાથલનો અણસાર છે.


