ભાઈંદરમાં રહેતો બાવીસ વર્ષનો મીત ભાનુશાલી અન્ય ૭ આરોપીઓ સાથે મળીને આૅનલાઇન છેતરપિંડી કરવાના આરોપસર પકડાયો
ભાઈંદર પોલીસે ધરપકડ કરેલા આરોપીઓ પાસેથી જપ્ત કરેલા મોબાઇલ અને રોકડ.
સાઇબર ફ્રૉડના કેસમાં એક ગુજરાતી યુવાનની ભાઈંદર પોલીસે ધરપકડ કરી હતી. નકલી ઈ-ચલાનની બોગસ લિન્ક દ્વારા લોકોના મોબાઇલ ઍક્સેસ કરીને બૅન્ક-ખાતાં સાફ કરી દેવાના આરોપસર ૭ લોકોની ભાઈંદર પોલીસે સોમવારે ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી લેટેસ્ટ વર્ઝનના IPhone, સૅમસંગ, ગૂગલ પિક્સલ સહિતના ૧૦૭ મોંઘા મોબાઇલ ફોન અને ૪ લાખ રૂપિયાની રોકડ એમ કુલ ૫૦ લાખ રૂપિયાની માલમતા જપ્ત કરવામાં આવી હતી.
કેવી રીતે પકડાયા આરોપીઓ?
ADVERTISEMENT
ભાઈંદર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર જિતેન્દ્ર કાંબળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૮ સપ્ટેમ્બરે ભાઈંદરમાં એકસાથે ગૂગલ પિક્સલ, નથિંગ આર એવા ૧૧ ખૂબ મોંઘા મોબાઇલ ફોન સાથે ફરતા રિન્કુ બૈરવાને તાબામાં લેવામાં આવ્યો હતો. તેની પાસેથી માહિતી મેળવતાં તેણે આ તમામ મોબાઇલ ઑનલાઇન ઑર્ડર કરીને મેળવ્યા હોવાની માહિતી મળી હતી. ત્યારે ઑર્ડર માટે આપેલા પેમેન્ટ અંગેની જાણકારી મેળવતાં એ પેમેન્ટ સાઇબર છેતરપિંડીથી કર્યું હોવાનું સ્પષ્ટ થયું હતું. આ દરમ્યાન વધુ તપાસ કરતાં ઐરોલીમાં રહેતા કૌસ્તુભ જાધવ, ભાઈંદરના મીત ભાનુશાલી, ભિવંડીના રમીઝ શેખ, ઉત્તર પ્રદેશના દેવી યાદવ, છત્તીસગઢના પ્રિન્સ સંજવાણી વગેરે સાથે મળીને સાઇબર છેતરપિંડી કરતા હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. પોલીસે આ તમામની ધરપકડ કરી છે.’
શું હતી આરોપીઓની કાર્યપદ્ધતિ?
સિનિયર ઇન્સ્પેક્ટર જિતેન્દ્ર કાંબળેએ જણાવ્યું હતું કે ‘કૌસ્તુભ અને પ્રિન્સ છેતરપિંડી કરવા માટે નકલી ઈ-ચલાનની બોગસ લિન્ક લોકોને મોકલતા હતા. ત્યાર બાદ એ લિન્ક ખોલતાંની સાથે ઍન્ડ્રૉઇડ ઍપ્લિકેશન પૅકેજ (APK) ફાઇલની મદદથી સામેવાળી વ્યક્તિના ફોનની ઍક્સેસ મેળવી લેતા હતા. આ ઍક્સેસથી બન્ને લોકોનાં બૅન્ક-ખાતાં સંબંધિત માહિતી મેળવી લેતા હતા અને તેમના અકાઉન્ટમાંથી ઑનલાઇન મોંઘા સ્માર્ટફોનનો ઑર્ડર આપતા હતા. ફોનની ડિલિવરી લેવા માટે બીજા આરોપીઓ મુંબઈના અલગ-અલગ વિસ્તારમાં જતા હતા. એ પછી બૉક્સ-પૅકિંગ સાથે મોબાઇલ સસ્તામાં વેચી દેતા હતા.’


