ક્રાઇમ બ્રાન્ચે ૬૧૫ કરોડ રૂપિયાના ગેરકાયદે વ્યવહારોનો પર્દાફાશ કર્યો
પ્રતીકાત્મક તસવીર
સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (SEBI)ના નકલી ઍપ્લિકેશનના માધ્યમથી શૅર-ટ્રેડિંગ ચલાવતા ત્રણ લોકોની ક્રાઇમ બ્રાન્ચની ટીમે ૬ ઑક્ટોબરે કાંદિવલીમાંથી ધરપકડ કરી હતી. આ ઘટનાથી કોઈ પણ સત્તાવાર લાઇસન્સ વિના કે નિયમનકારી મંજૂરી વિના કાર્યરત એક મોટા ગેરકાયદે શૅર-ટ્રેડિંગ રૅકેટનો પર્દાફાશ થયો હતો. વિરલ પારેખ, સોહનલાલ કુમાવત અને જિગર સંઘવી આ ત્રણ આરોપીઓ મળીને ડબ્બા-ટ્રેડિંગ કરતા હતા. આ કામગીરી નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (NSE) અને બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ (BSE)ના અધિકારીઓની હાજરીમાં હાથ ધરવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી દ્વારા ૬૧૫ કરોડ રૂપિયાથી વધુ મૂલ્યનું ટ્રેડિંગ કરવામાં આવ્યું હતું, જેના પરિણામે સરકારને નોંધપાત્ર કર-આવકનું નુકસાન થયું હતું.
ક્રાઇમ બ્રાન્ચના યુનિટ-૧૧ના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કાંદિવલી-વેસ્ટના એક બિલ્ડિંગના રૂમમાંથી અનધિકૃત ટ્રેડિંગ કરતી વ્યક્તિઓ વિશે માહિતી મળ્યા બાદ દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાં ધરપકડ કરેલા આરોપી Vertexexch.net નામના પ્લૅટફૉર્મ પર ટ્રેડિંગ કરતા જોવા મળ્યા હતા. વધુ તપાસમાં જાણવા મળ્યું હતું કે ટ્રેડિંગ ગેરકાયદે વેબસાઇટ દ્વારા કરવામાં આવી રહ્યું હતું. આ ગેરકાયદે પ્રવૃત્તિથી સરકારને સિક્યૉરિટીઝ ટ્રાન્ઝૅક્શન ટૅક્સ (STT) અને SEBI ટર્નઓવર ફીના રૂપમાં ૨૮,૦૫,૯૮૫ રૂપિયાનું નુકસાન થયું હતું. આ કેસમાં ત્રણ મોબાઇલ ફોન, બે કમ્પ્યુટર સિસ્ટમ, એક રોકડ ગણતરી મશીન, એક જિયો ફાઇબર રાઉટર જપ્ત કરવામાં આવ્યાં હતાં. આ મામલે NSE અધિકારીની ફરિયાદના આધારે કાંદિવલી પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.’


