તેમણે તેમના મરાઠી પ્યુનને માર મારીને તુમ ઘાટી લોગ કભી સુધરોગે નહીં કહીને તેની સાથે દુર્વ્યવહાર કર્યો હોવાનું બહાર આવ્યું છે.
સુશીલ રાહેજા
મહારાષ્ટ્રમાં ફરી એક વાર મરાઠી વિરુદ્ધ બિનમરાઠી વિવાદ ભડક્યો છે. પ્રખ્યાત બિલ્ડર સુશીલ રાહેજાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. તેમણે તેમના મરાઠી પ્યુનને માર મારીને તુમ ઘાટી લોગ કભી સુધરોગે નહીં કહીને તેની સાથે દુર્વ્યવહાર કર્યો હોવાનું બહાર આવ્યું છે. આ કેસમાં ગોવંડી પોલીસ-સ્ટેશનમાં સુશીલ રાહેજા સામે હુમલો અને અત્યાચારનો કેસ નોંધવામાં આવ્યો છે.
ફરિયાદી પ્યુન સુશીલ રાહેજાની ચેમ્બુરની ઑફિસમાં કામ કરતો હતો. ઘટનાના દિવસે ઑફિસમાં મીટિંગ હતી. ફરિયાદીને દસ્તાવેજો જોડવા અને સ્ટેપલ કરવાનું કહેવામાં આવ્યું હતું. એવું જાણવા મળ્યું છે કે ફરિયાદીએ આ કામ કરતી વખતે નાની ભૂલ કરી હતી. એવો આરોપ છે કે એથી સુશીલ રાહેજાએ ગુસ્સામાં ફરિયાદીને તુમ ઘાટી લોગ કભી સુધરોગે નહીં કહીને માર માર્યો હતો. આ ઘટના પછી ફરિયાદી સીધો ગોવંડી પોલીસ-સ્ટેશન પહોંચ્યો હતો. તેણે સુશીલ રાહેજા વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી. ફરિયાદના આધારે ગોવંડી પોલીસે રાહેજા વિરુદ્ધ કલમ ૧૧૫ BNS ૨૦૨૩ અને અનુસૂચિત જાતિ અને જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, ૧૯૮૯ હેઠળ કેસ નોંધ્યો છે. આ કેસ પછી પોલીસ શું પગલાં લેશે અને સુશીલ રાહેજા વિરુદ્ધ શું કાર્યવાહી કરશે એ મહત્ત્વપૂર્ણ રહેશે.


