હાઈ કોર્ટે ફટકારેલા દંડને કાનૂની રીતે પડકારશે FDAના કમિશનર, હવે ખાઉગલીઓ અને સ્કૂલની આસપાસના અનહેલ્ધી સ્ટૉલ્સ પર ત્રાટકવા સજ્જ
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
પુણેની મીઠાઈની દુકાન પર અમે કરેલી કાર્યવાહી યોગ્ય જ હતી : બૉમ્બે હાઈ કોર્ટે ફટકારેલા પાંચ લાખ રૂપિયાના દંડ બાબતે તુકારામ મુંઢેએ સ્પષ્ટતા આપી
પુણેની એક મીઠાઈની દુકાન પર ફૂડ-સેફ્ટીના નિયમોના ઉલ્લંઘન બદલ કરાયેલી કાર્યવાહી વિશે બૉમ્બે હાઈ કોર્ટના તાજેતરના આદેશ સામે મહારાષ્ટ્ર ફૂડ અૅન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA)ના કમિશનર તુકારામ મુંઢેએ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. તેમણે FDAએ લીધેલાં પગલાંનો બચાવ કરતાં સ્પષ્ટ કર્યું છે કે FDAની કાર્યવાહી યોગ્ય જ છે અને આ કાર્યવાહી બદલ હાઈ કોર્ટે ફટકારેલા પાંચ લાખ રૂપિયાના દંડના મામલે આગળના કાનૂની વિકલ્પો વિચારશે.
ADVERTISEMENT
તુકારામ મુંઢેએ જણાવ્યું હતું કે ‘પુણેની ગુરુ નાનક ડેરી અૅન્ડ સ્વીટ્સ વિશે હાઈ કોર્ટના ચુકાદાની લેખિત નકલ હજી મળી નથી. જોકે અમે જે કાર્યવાહી કરી એ બદલ અમે મક્કમ છીએ.’
પ્રારંભિક કાર્યવાહીનો બચાવ કરતાં FDA કમિશનરે ભારપૂર્વક જણાવ્યું હતું કે ‘દુકાનની મીઠાઈ ખાધા બાદ અનેક ગ્રાહકોની તબિયત લથડી હતી અને
ફૂડ-પૉઇઝનિંગના કારણે અસરગ્રસ્ત લોકોને હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. રિપોર્ટમાં પણ ખાદ્ય પદાર્થો અસુરક્ષિત સાબિત થયા હતા. આથી જાહેર જનતાના સ્વાસ્થ્યના હિતમાં લેવાયેલું પગલું સંપૂર્ણપણે વાજબી અને યોગ્ય જ હતું.’
કેમ થયો FDAને દંડ?
બૉમ્બે હાઈ કોર્ટે પુણેની ગુરુ નાનક ડેરી અૅન્ડ સ્વીટ્સનું લાઇસન્સ તાત્કાલિક રીસ્ટોર ન કરવાની કાર્યવાહી સામે સવાલો ઉઠાવીને મહારાષ્ટ્ર FDAને પાંચ લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. ૧૨ જૂને અસ્વચ્છતા અને ખામીઓ જણાયા બાદ દુકાનનું લાઇસન્સ રદ કરાયું હતું. ત્યાર બાદ દુકાનદારે ઇમ્પ્રૂવમેન્ટ રિપોર્ટ આપતાં ૧૩ જુલાઈઅે કરાયેલી ફેરતપાસમાં ૩૬માંથી ૩૫ માપદંડો પૂર્ણ થતાં ૯૮ ટકા સૂચનોનું પાલન કર્યું હોવાનું નોંધાયું હતું. આથી કોર્ટે લાઇસન્સનું સસ્પેન્શન રદ કરી દુકાન શરૂ કરવાની મંજૂરી આપી હતી છતાં દુકાનનું લાઇસન્સ તાત્કાલિક રીસ્ટોર ન થતાં કોર્ટે FDAને ૩૦ દિવસમાં પાંચ લાખ રૂપિયા ચૂકવવા આદેશ કર્યો હતો.
મુંબઈની ખાઉગલીઓ હવે તુકારામ મુંઢેના રડાર પર
જાહેર આરોગ્યની સુરક્ષાને પ્રાથમિકતા આપતા ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA) અસ્વચ્છતા ધરાવતા રોડસાઇડ ખાણીપીણીના સ્ટૉલ્સ અને ખાઉગલીઓ સામે કડક ઝુંબેશ શરૂ કરવા જઈ રહ્યું છે. FDA કમિશનર તુકારામ મુંઢેએ તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં સ્પષ્ટ કર્યું હતું કે FDA અને ફૂડ સેફ્ટી અૅન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (FSSAI) દ્વારા અગાઉ વેન્ડરોને સ્વચ્છ ખોરાક પૂરો પાડવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમ જ ‘ઈટ રાઇટ’ ઝુંબેશ પણ ચલાવવામાં આવી હતી. જોકે હવે વિવિધ ખાઉગલીઓ અને સ્ટૉલ્સ પર સરપ્રાઇઝ ઇન્સ્પેક્શન કરીને કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે એવી તૈયારી તુકારામ મુંઢેએ બતાવી હતી અને ખાતરી આપી હતી કે આ કાર્યવાહીનાં પરિણામો ટૂંક સમયમાં જ જોવા મળશે.
સ્કૂલો-કૉલેજો નજીકના ગેરકાયદે ફૂડ-સ્ટૉલ્સ સામેની કાર્યવાહીની અસર ૮-૧૦ દિવસમાં દેખાશે : FDA
મહારાષ્ટ્રની સ્કૂલો-કૉલેજો અને શૈક્ષણિક સંસ્થાઓની આસપાસના વિસ્તારમાં નિયમોનું ઉલ્લંઘન કરીને ચાલતા ફૂડ-સ્ટૉલ્સ અને હોટેલો સામે FDA દ્વારા આકરાં પગલાં લેવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. FDA કમિશનર તુકારામ મુંઢેએ મંગળવારે ચેતવણી આપતાં જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં સઘન ચેકિંગ અને નિયમોના કડક અમલીકરણ માટે શરૂ કરાયેલી આ ખાસ ઝુંબેશની અસર આઠથી ૧૦ દિવસમાં દેખાવા લાગશે.
