આરોપી અભિનેતાએ આ કૌભાંડના યુક્રેનના માસ્ટરમાઇન્ડ અને ભારતીયો સાથે બેઠક કરાવીને મુંબઈમાં જ્વેલરી શોરૂમ ખોલવામાં મદદ કરી હતી
ધરપકડ કરવામાં આવેલો યુક્રેનનો ઍક્ટર આર્મેન અટેઇની.
ટોરેસ જ્વેલરીમાં ઇન્વેસ્ટ કરવાને નામે અસંખ્ય રોકાણકારોના કરોડો રૂપિયાના કથિત સ્કૅમમાં મુંબઈ પોલીસે સોમવારે કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) તૌસિફ રિયાઝની રવિવારે લોનાવલાની એક હોટેલમાંથી ધરપકડ કર્યા બાદ ગઈ કાલે મલાડના માલવણી વિસ્તારમાંથી યુક્રેનના ઍક્ટર આર્મેન અટેઇનીની ધરપકડ કરી હતી. આ સાથે આ મામલામાં અત્યાર સુધી છ આરોપી સામે કાર્યવાહી થઈ છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપી ઍક્ટર આર્મેન અટેઇનીએ આ સ્કૅમના યુક્રેનના માસ્ટરમાઇન્ડ અને ભારતીય લોકો સાથે બેઠકો કરીને મુંબઈમાં ટોરેસ જ્વેલરીના શોરૂમ ખોલવામાં મદદી કરી હોવાનું તપાસમાં જણાઈ આવ્યું છે એટલે તેની મલાડના માલવણી વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે.’
મુંબઈ પોલીસની ઇકૉનૉમિક ઑફેન્સિસ વિન્ગ ટોરેસ જ્વેલરી ફ્રૉડની તપાસ કરી રહી છે. જ્વેલરી કંપનીએ મુંબઈ, નવી મુંબઈ અને કલ્યાણમાં ઑફિસ ખોલી હતી અને આ વિસ્તારમાં કંપનીના બૅન્ક-અકાઉન્ટ પણ ખોલવામાં આવ્યાં હતાં. અસંખ્ય રોકાણકારોએ ફરિયાદ નોંધ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરીને ટોરેસ જ્વેલરીના તમામ શોરૂમનાં બૅન્ક-અકાઉન્ટ ફ્રીઝ કરવાની શરૂઆત કરી હતી. અત્યાર સુધી પોલીસે અનેક અકાઉન્ટ ફ્રીઝ કર્યાં છે, જેમાં ૨૧ કરોડ રૂપિયા છે.


