બે ભાઈ એ પકડીને બહાર આવ્યા, જ્યારે ત્રીજો તણાઈ ગયો
તારાબાઈ પવાર
મહારાષ્ટ્રના અહમદનગરના કોપરગાવ તાલુકાના કારવાડી હંડેવાડી ગામમાં શનિવારે સંતોષ, પ્રદીપ અને અમોલ તાંગતોડે નામના ત્રણ ભાઈ નદીના કાંઠે આવેલા ખેતરમાં મૂકવામાં આવેલી ઇલેક્ટ્રિક મોટર સલામત જગ્યાએ ખસેડવા ગયા હતા. આ સમયે અચાનક નદીમાં પૂર આવતાં ત્રણે ભાઈ નદીના વહેણમાં તણાવા લાગ્યા હતા. એ વખતે નજીકમાં પતિ છબુરાવ સાથે ઘેટાં ચરાવતી તારાબાઈ પવારે પળનોય વિલંબ કર્યા વિના પોતાની સાડી ઉતારી હતી અને નદીમાં ફેંકી હતી. અમોલ અને પ્રદીપ નદીમાં ફેંકવામાં આવેલી સાડીનો છેડો પકડી શક્યા હતા એટલે બચી ગયા હતા, જ્યારે તેમનો ત્રીજો ભાઈ સંતોષ દૂર વહી ગયો હતો એટલે તે બચી નહોતો શક્યો. તારાબાઈએ આવી રીતે બે સગા ભાઈના જીવ બચાવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં ગામવાસીઓએ તારાબાઈની સમયસૂચકતાને સલામ કરી હતી. તેણે સમય રહેતાં નદીમાં પોતાની સાડીનો છેડો ફેંક્યો ન હોત તો તાંગતોડે પરિવારે ત્રણેય પુત્ર ગુમાવવા પડ્યા હોત.

