આગામી ત્રણ વર્ષ માટે આ વધારેલો ટોલ ભરવો પડશે ઃ એને કારણે લોકોમાં નારાજગી

તસવીર: વિકીપિડિયા
મુંબઈ ઃ આજથી ટોલનાકા પરથી પસાર થવું હોય તો વધુ પૈસા ચૂકવવા તૈયાર થઈ જજો. વાહન લઈને મુંબઈમાં પ્રવેશવાનું અને મુંબઈથી બહાર નીકળવાનું આગામી ત્રણ વર્ષ માટે મોંઘું થઈ ગયું છે. ૨૦૦૨માં મુંબઈના વિવિધ વિસ્તારોમાં બાંધવામાં આવેલા ફ્લાયઓવરના બાંધકામ, સમારકામ અને જાળવણીના ખર્ચ માટે મુંબઈનાં પાંચ પ્રવેશદ્વારો એટલે કે દહિસર, વાશી, ઐરોલી, મુલુંડ ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે અને મુલુંડ એલબીએસ માર્ગ પર ટોલ વસૂલ કરવા ટોલનાકાંની શરૂઆત કરવામાં આવી હતી. જોકે ટોલ વધવાથી લોકો દ્વારા નારાજગી દાખવવામાં
આવી હતી.
સપ્ટેમ્બર ૨૦૨૦માં ૬ વર્ષના અંતરાલ પર ટોલ દરો પર સંશોધન કરવામાં આવ્યું હતું. એથી સંશોધિત ટોલ દરો પહેલી ઑક્ટોબર ૨૦૨૦ના રોજ લાગુ કરવામાં આવ્યા હતા. ૨૦૨૦ના મહારાષ્ટ્ર સરકારના નોટિફિકેશનમાં પ્રતિ ત્રણ વર્ષ બાદ ટોલમાં વધારો કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. એ સૂચના મુજબ ટોલ પહેલી ઑક્ટોબર ૨૦૨૩થી વધારવામાં આવ્યા છે, કારણ કે ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ ટોલ દરોએ ત્રણ વર્ષ પૂરાં કર્યાં છે. ટોલના નવા દર આજથી લાગુ કરવામાં આવ્યા છે અને આ દર આગામી ત્રણ વર્ષ માટે એટલે કે ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધી લાગુ રહેશે. મિની બસ/એલસીવી, ટ્રક/બસ, હેવી વેહિકલના વાહનધારકોએ જો તેમના વાહન માટે ટોલ ભરવા અગાઉથી ૫૦ અથવા ૧૦૦ કૂપન સાથે રોડ-ટૅક્સ બુકલેટ ખરીદી હશે તો ટોલમાં અનુક્રમે ૨૫ ટકા અને ૫૦ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

