ખાર-વેસ્ટના જાણીતા લક્ષ્મીનારાયણ મંદિરની અંદાજે ૪૫ લાખ રૂપિયાની ૯૦ કિલો ચાંદી ચોરાયાની ફરિયાદ ટ્રસ્ટીઓ દ્વારા ખાર પોલીસ-સ્ટેશનમાં કરવામાં આવી છે
લક્ષ્મીનારાયણ મંદિર
ખાર-વેસ્ટના જાણીતા લક્ષ્મીનારાયણ મંદિરની અંદાજે ૪૫ લાખ રૂપિયાની ૯૦ કિલો ચાંદી ચોરાયાની ફરિયાદ ટ્રસ્ટીઓ દ્વારા ખાર પોલીસ-સ્ટેશનમાં કરવામાં આવી છે. મંદિરના લાકડાના દરવાજા અને અન્ય ફર્નિચર પર અલ્પેશ મિસ્ત્રી અને સમીર મિસ્ત્રી ચાંદીનાં પતરાં લગાવી આપવાનું કામ કરતા હતા. છેલ્લાં ૧૦-૧૨ વર્ષથી ટ્રસ્ટીઓ તેમને આ કામ સોંપતા હોવાથી તેઓ ટ્રસ્ટીઓના વિશ્વાસુ હતા.
એપ્રિલ ૨૦૨૩માં ટ્રસ્ટીઓએ તેમને આવા જ કામ માટે ૯૦ કિલો શુદ્ધ ચાંદી આપી હતી. ચાંદી આપ્યાને બહુ દિવસ વીતી જવા છતાં તેમના તરફથી ડિઝાઇન કરાયેલાં ચાંદીનાં પતરાં આવ્યાં નહીં એટલે ટ્રસ્ટીઓએ તેમને પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે હાલ કામ ચાલી રહ્યું છે, પતશે એટલે આપી જઈશું. એ પછી પણ ઘણો સમય વીતી ગયો. ફરી જ્યારે ટ્રસ્ટીઓએ આ બાબતે સંપર્ક કર્યો ત્યારે તેમણે ઉડાઉ જવાબો આપ્યા હતા. એ પછી તો તેમણે તેમના મોબાઇલ જ બંધ કરી દીધા હતા. એથી ટ્રસ્ટીઓને જાણ થઈ કે બન્ને ભાઈઓએ તેમની સાથે છેતરપિંડી કરી છે એટલે તેમની સામે ખાર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. ખાર પોલીસે અલ્પેશ અને સમીર મિસ્ત્રી સામે ગુનો દાખલ કરીને કેસની વધુ તપાસ ચાલુ કરી છે.

