ડ્રોનની મદદથી ૮૦૦ ફુટ ઊંડી ખીણમાંથી થાણેના યુવકનો મૃતદેહ શોધાયો
રેસ્ક્યુ ટીમે ગઈ કાલે સવારે ૮૦૦ ફુટ ઊંડી ખીણમાંથી સુયોગ પાંચાળનો મૃતદેહ શોધી કાઢ્યો હતો.
ઘરેથી ઝઘડો કરીને ગુસ્સામાં ખેડ જવાનું કહીને નીકળેલા યુવકે રાયગડ કિલ્લાના ટકમક ટૉક પહોંચી ત્યાંના ફોટો પરિવારજનોને સેન્ડ કર્યા અને પછી ફોન કરીને આત્મહત્યા કરવાનું જણાવ્યું હતું. થાણેના ૩૭ વર્ષના સુયોગ પાંચાળે ટકમક ટૉક પરથી ઝંપલાવી રહ્યો હોવાની જાણ કરીને ફોન સ્વીચઑફ કરી દીધો હતો. આવો આઘાતભર્યો ફોન આવ્યા બાદ ચિંતાતુર કુટુંબીજનોએ તેની ભાળ મેળવવા પ્રયત્નો શરૂ કર્યા હતા. રેસ્ક્યુ ટીમે ગઈ કાલે સવારે ૮૦૦ ફુટ ઊંડી ખીણમાંથી તેનો મૃતદેહ શોધી કાઢ્યો હતો.
આત્મહત્યાનો ફોન આવતાં જ સુયોગનો ભાઈ સુવેલ પાંચાળ રાયગડ કિલ્લા પર પહોંચ્યો ત્યારે તેને સુયોગની બાઇક ઊભી દેખાઈ હતી. જોકે સુયોગ ક્યાંય પણ દેખાયો નહોતો જેને પગલે મહાડ તાલુકા પોલીસને આ બાબતે જાણ કરવામાં આવી હતી.
ઘટનાની માહિતી મળતાં જ મહાડ પોલીસ, અન્ય રેસ્ક્યુ ટીમ અને સ્થાનિકોની મદદથી સુયોગની શોધ શરૂ કરવામાં આવી હતી. શનિવારે મોડી સાંજે આ ઘટના બની હોવાના કારણે તેને શોધવામાં પણ મુશ્કેલી થઈ રહી હતી. એથી રવિવારે સવારે ફરીથી સર્ચ ઑપરેશન શરૂ કરાયું હતું જેમાં ડ્રોનની મદદથી ૮૦૦ ફુટ ઊંડેથી સુયોગનો મૃતદેહ મળી આવ્યો હતો. જોકે ખૂબ જ તીવ્ર ઢાળ અને ગીચ ઝાડીઓને કારણે તેનો મૃતદેહ બહાર લાવવો એક પડકાર બની ગયો હતો. ગઈ કાલે બપોરે રેસ્ક્યુ ટીમે તેનો મૃતદેહ બહાર લાવવાની તજવીજ શરૂ કરી હતી.
પહેલાંના સમયમાં ગુનેગારને રાયગડ કિલ્લા પર આવેલા ટકમક ટૉક પૉઇન્ટ પરથી નીચે ફેંકી દઈને સજા આપવામાં આવતી હતી.
