નંદુરબારમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું...
ગઈ કાલે મહારાષ્ટ્રના નંદુરબારની ચૂંટણીસભામાં નરેન્દ્ર મોદી.
લોકસભાની ચૂંટણીના ચોથા તબક્કામાં ૧૩ મેએ મહારાષ્ટ્રની ૧૧ બેઠકોમાં મતદાન થશે એમાં નંદુરબાર બેઠકનો પણ સમાવેશ થાય છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અહીં ગઈ કાલે જાહેરસભા યોજવામાં આવી હતી. વડા પ્રધાને કૉન્ગ્રેસ, શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે ઉપર આ સભામાં નિશાન તાક્યાં હતાં. વડા પ્રધાને કહ્યું હતું કે ‘નકલી શિવસેના મને જીવતો દાટી દેવાની વાત કરે છે અને કૉન્ગ્રેસ કહે છે કે મોદી તેરી કબર ખુદેગી. મેં બાળાસાહેબને નજીકથી જોયા છે, પણ આ નકલી શિવસેનાવાળા મુંબઈ બૉમ્બ-બ્લાસ્ટના આરોપીને પોતાની રૅલીમાં સાથે લઈને ફરી રહ્યા છે. બિહારમાં ચારાનો ગોટાળો કરનારાને ખભા પર બેસાડીને ફેરવી રહ્યા છે. મને જમીનમાં દાટવાની વાત કરનારાઓ જનતાનો વિશ્વાસ ખોઈ ચૂક્યા છે. મહિલા અને બહેનો મારું રક્ષાકવચ છે. આથી આ લોકો જીવતા તો શું, મારા મૃત્યુ બાદ પણ જમીનમાં દાટી નહીં શકે.’
ઉલ્લેખનીય છે કે ગુરુવારે સંજય રાઉતે અહમદનગરમાં આયોજિત જાહેરસભામાં કહ્યું હતું કે છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ મહારાષ્ટ્રમાં તો ઔરંગઝેબનો જન્મ ગુજરાતમાં થયો હતો, ઔરંગઝેબની જેમ નરેન્દ્ર મોદીને મહારાષ્ટ્રની ધરતીમાં દાટી દઈશું. સંજય રાઉતના આ વિવાદાસ્પદ નિવેદન બદલ તેમની સામે મહારાષ્ટ્રમાં અહમદનગર, નાશિક સહિત અનેક જગ્યાએ ફરિયાદ નોંધવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. વડા પ્રધાને નંદુરબારની સભામાં સંજય રાઉતને જવાબ આપ્યો હતો.
ADVERTISEMENT
શરદ પવાર પર નિશાન
શરદ પવારને નિશાના પર લેતાં વડા પ્રધાને કહ્યું હતું કે ‘તેઓ બારામતીના મતદાન બાદ એટલા હતાશ થઈ ગયા છે કે નાના-નાના પક્ષોને કૉન્ગ્રેસમાં વિલીન કરવાની સલાહ આપી રહ્યા છે. એટલે કે નકલી નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ અને નકલી શિવસેનાએ કૉન્ગ્રેસમાં મર્જ થવાનો નિર્ણય લઈ લીધો છે. અમે સમગ્ર ભારતનો વિકાસ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. એમાં તમે અજિત પવાર અને એકનાથ શિંદે સાથે જોડાઈને સહભાગી બનશો તો બધાને ગમશે.’
કૉન્ગ્રેસ પર નિશાન
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કૉન્ગ્રેસને નિશાના પર લેતાં કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસે લાંબા સમય સુધી આદિવાસીઓના મત લીધા, પણ તેમની ગંભીર સમસ્યાઓ માટે કામ નથી કર્યું. કુપોષણને લીધે આદિવાસી મહિલા અને બાળકોનાં મૃત્યુ થાય છે. અમે નંદુરબારના ૧૨ લાખ આદિવાસીઓને ફ્રી રૅશન આપ્યું. કૉન્ગ્રેસ વારંવાર આરક્ષણ સંબંધી જુઠ્ઠાણું ફેલાવી રહી છે. આરક્ષણ બાબતે ચોર મચાએ શોર જેવી વાત છે. ધર્મના આધારે મુસ્લિમોને કર્ણાટક અને તેલંગણમાં આરક્ષણ આપીને બંધારણની પીઠમાં ખંજર ભોંકવાનું પાપ કર્યું છે. આની સામે અમે આરક્ષણ બચાવવા માટેનો યજ્ઞ કરી રહ્યા છીએ.’